રાજકોટ : થોરાળામાં ૧૫ દિવસથી ધમધમતાં જુગારના અખાડા પર SMC ત્રાટકી
સ્થાનિક પોલીસની મંજૂરી'થી જુગારનો અડ્ડો ચાલતો હોવાની પ્રબળ આશંકા
ચાર પકડાયા, મુખ્ય સૂત્રધાર મયુરસિંહ ઝાલા સહિતના પાંચ ફરાર: ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે
દારૂ-જુગારની બદી માટે અત્યંત કુખ્યાત ગણાતાં રાજકોટના થોરાળા વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ચાલતાં વરલી-મટકાના જુગારધામ ઉપર સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકંદરે ૧૫-૧૫ દિવસથી આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હોવા છતાં સ્થાનિક થોરાળા પોલીસ ઉપરાંત એલસીબી તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સી અંધારામાં રહી ગઈ હોવાને કારણે જુગારધામને
મંજૂરી’ હોવાની પ્રબળ આશંકાને લઈને તે દિશામાં તપાસ ચાલી રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ.શિનોલ સહિતના સ્ટાફે થોરાળામાં ગંજીવાડાના નાકા પાસે જયનાથ પેટ્રોલ પંપની બાજુમાં વરલી-મટકાનો જુગાર રમી રહેલા ફિરોઝ ઈબ્રાહીમ પલેજા (રહે.ભાવનગર રોડ-રાજકોટ), અશરફ હારુનભાઈ દલ (રહે.ભાવનગર રોડ), જગદીશ ઉર્ફે જગો સોમાભાઈ વાઘ (રહે.જંગલેશ્વર) અને શબ્બીર અલી ઉર્ફે ડબલો અલીમહમ્મદભાઈ ઠેબા (રહે.ભારતનગર)ને પકડી લઈ ૧,૨૪,૪૭૦ની રોકડ મળી કુલ રૂા.૧,૭૯,૯૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે દરોડો પડ્યાની જાણ થતાં જ જુગારધામનો મુખ્ય સંચાલન મયુરસિંહ ભરતસિંહ ઝાલા (રહે.રામનગર, થોરાળા), અમિત કોળી, જે.પી.ડી., બટુક મહારાજ, ઈકબાલ ઈસ્માઈલ પઠાણ સહિતના ફરાર થઈ જતાં તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે ગત તા.૨૬-૪-૨૦૨૨ના અહીં જ દરોડો પાડી વરલી-મટકાનું જુગારધામ પકડી પાડ્યું હતું જે પણ મયુરસિંહ ઝાલાનું જ હતું ત્યારે ફરી ત્યાં જ રેડ પડતાં મંજૂરી હોવી જ જોઈએ તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
રેડ વખતે મયુરસિંહ હાજર હતો, ઓળખી ન શકતાં ભાગી ગયો
એવું પણ જાણવા મળ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યારે રેડ પાડી ત્યારે જુગારધામનો મુખ્ય સંચાલક મયુરસિંહ ઝાલા પણ ત્યાં જ હાજર હતો પરંતુ રેડિંગ પાર્ટી તેને ઓળખી ન શકતાં તે ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો. હવે ભરતસિંહને પકડવાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેતી હોવાથી ઘણા બધા `રાઝ’ ધરબાઈ જશે તેવી શક્યતા નકારી શકાતી નથી. જો સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાઈ ગયો હોત તો અનેક મહત્ત્વના ખુલાસા થઈ શકે તેમ હતા.