- રાજીનામા બાદ પણ ઘેર ફાઈલો મંગાવી સહી કરવામાં આવતી હોવાની મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળતા જ કાર્યવાહી
રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના સસ્પેનશન બાદ મહાનગર પાલિકામાં રોજેરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે ત્યારે સોમવારે મોડી સાંજે અગાઉ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ચર્ચાના ચકડોળે ચડેલા સીટી ઈજનેર અલ્પના મિત્રા રાજીનામુ આપી દીધા બાદ [પણ પોતાના ઘેર ફાઈલો મંગાવી સહીઓ કરી રહ્યાની મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને બાતમી મળતા તત્કાલ વિજિલન્સ ટીમોને દોડાવી અલ્પના મિત્રાના ઘેર કલ્પના બહારના દરોડાની કાર્યવાહી કરી અંદાજે 40થી 50 કરતા પણ વધુ ફાઈલો કબ્જે કરવામાં આવી હોવાનું મનપાના વિજિલન્સ અધિકારી ભરત કાથરોટીયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકામાં સીટી ઈજનેર પદેથી રાજીનામુ આપનાર અલ્પના મિત્રાનું રાજીનામુ મંજુર થઇ ગયા બાદ પણ તેઓ પોતાના ઘેર કેટલીક ફાઈલો મંગાવી જૂની તારીખમાં સહીઓ કરી રહ્યા હોવાનું અને કેટલાક અધિકારીઓ પણ આવી ફાઈલો લઇને રાજીનામુ આપનાર અલ્પના મિત્રાના ઘેર ગયા હોવાની ચોંકાવનારી હકીકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈના ધ્યાને આવતા જ તેઓએ તત્કાલ વિજિલન્સ અધિકારી ભરત કાથરોટીયાને તપાસના આદેશ સાથે ટીમો દોડાવવા સૂચના આપતા મહાનગર પાલિકાના ટેક્નિકલ વિભાગના ભૂમિબેન પરમાર સહિતના બે મહિલા અધિકારીઓ અને વિજિલન્સની ટીમ કાફલા સાથે દોડી ગઈ હતી અને અલ્પના મિત્રાના નિવાસસ્થાનેથી મોટાપ્રમાણમાં મહાનગર પાલિકાની ફાઈલો કબ્જે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હમેશા ઉચ્ચ અધિકારીની નજીકમાં જ રહેનાર મહિલા સીટી ઈજનેર અલ્પના મિત્રા અગાઉ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ચર્ચાના એરણે ચડી ચુક્યા છે ત્યારે આજે તેમના નિવાસ સ્થાનેથી મહાનગર પાલિકાની ફાઈલોના પોટલાને પોટલાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર મામલે મહાનગર પાલિકાના વિજિલન્સ અધિકારી ભરત કાથરોટીયાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં 40થી 50 જેટલી ફાઈલો કબ્જે કરવામાં આવી છે અને તમામ ફાઈલો હાલમાં વિજિલન્સ વિભાગના કબ્જામાં લેવામાં આવી છે.કમિશનરના આદેશ બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.