- પીજીવીસીએલની 37 ટીમ દ્વારા વ્યાપક ચેકિંગ 894 કનેક્શન ચેક કરતા 71 કિસ્સામાં વીજચોરી
રાજકોટ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા મંગળવારે સતત બીજા દિવસે કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત વીજ ચેકીંગ ચાલુ રાખી કોઠારિયા રોડ તેમજ મોરબી રોડ ઉપર વીજતંત્રની 37 ટીમોને મેદાનમાં ઉતારી સપાટો બોલાવવામાં આવ્યો હતો, વીજતંત્રની ટીમોએ કુલ 894 કનેક્શન ચેક કરતા 71 કિસ્સામાં વીજચોરી ઝડપાતા 21.24 લાખના વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા હતા.
રાજકોટ સીટી-1 ડિવિઝન દ્વારા મંગળવારે સતત બીજા દિવસે મોરબી રોડ અને કોઠારીયા રોડ પર સવારથી 37 ટીમોને ઉતારી વ્યાપક ચેકિંગ શરૂ કરતા વીજચોરોમાં ફફડાટ મચી ગયો હતો, સોમવારે વીજતંત્રના ચેકિંગ દરમિયાન રૂપિયા.20.54 લાખની વીજચોરી પકડાઇ હતી ત્યારે મંગળવારે હાથ ધરવામાં આવેલ ચેકીંગ દરમિયાન જંગલેશ્વર ફિડર હેઠળના બિસ્મીલ્લાહ પાર્ક, તક્ષશિલા પાર્ક, નવદુર્ગા ફિડરનાં ભરતવન સોસાયટી, નિલકંઠ પાર્ક, ગ્રીન પાર્ક સોસાયટી, સપના ફિડરના સાગર, ભોજલરામ, રાધા કૃષ્ણ સોસાયટી, નાડોદા નગર, સાત હનુમાન ફિડર હેઠળનાં મફતિયાપરા, દિવેલીયા પરા, મેગો માર્કેટ-વિસ્તાર, તેમજ પ્રેસ ફિડર હેઠળના દેવનાગર ધોળો વિસ્તાર, શ્રીરામ પાર્ક, જીએસસીબી હાઉસિંગ ર્ક્વાટર (મનપા)માં વ્યાપક ચેકિંગ હાથ ધરાયું હતું.
મંગળવારે હાથ ધરવામાં આવેલ વીજ ચેકિંગ દરમિયાન વીજતંત્રની ટીમોએ કુલ 894 કનેક્શન ચેક કરતા 71 કિસ્સામાં વીજચોરી ઝડપાતા 21.24 લાખના વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા હતા. આમ, બે દિવસ દરમિયાન કુલ મળી 41.78 લાખની વીજ ચોરી ઝડપાઇ હોવાના સત્તાવાર આંકડા વીજતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.