- પરિવાર એક નહિ થવા તેવા ડરથી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની શક્યતા સાથે પોલીસે તપાસ આદરી, મૃતદેહનું ફોરેન્સિક પીએમ
- સગીરાના પરિવારે ગત ગુરુવારે જ વીંછિયા પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ નોંધાવી ‘તી અપહરણની ફરિયાદ
રાજકોટ જિલ્લાના વીંછિયા પંથકમાં રહેતા પ્રેમી યુગલે ચોટીલાના લાખણકા ગામે વાડી વિસ્તારમાં મકાનમાં એકી સાથે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. સગીરાના પરિવારે ગત ગુરુવારે જ વીંછિયા પોલીસ મથકમાં યુવકની વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી પરિવાર એક નહિ થવા તેવા ડરથી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની શક્યતા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયા તાલુકાના નાના માત્રા ગામે રહેતી ૧૬ વર્ષીય શ્રધ્ધા જસમતભાઇ ડેરવાડીયા નામની સગીરા ગુમ થતાં તેના પરિવારજનો દ્વારા કોટડા ગામ રહેતા ૨૦ વર્ષીય ચિરાગ ધોરીયા (ઉ.વ.૨૧) સામે વીંછિયા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. દરમિયાન શુક્રવારે સાંજના સમયે ચોટીલાના લાખણકા ગામની સીમમાં આવેલી રમેશભાઈ ખોડાણીની વાડીના ઉપરના રૂમમાં એક યુવક યુવતીએ ગળાફાંસો ખાઈ લીધા હોવાની માહિત મળતા ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતાં ફોટાના આધારે જાણવા મળ્યું હતું કે, આપઘાત કરનાર યુગલ ગુરૂવારે વિંછીયા પોલીસ સ્ટેશનમાં યુવકે સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ થઈ તે બંને છે. જેથી ચોટીલા પોલીસે વીંછિયા પોલીસનો સંપર્ક કરી બનાવ અંગે જાણ કરતા યુવક અને સગીરાના પરિવારજનોએ લાશ ઓળખી બતાવી હતી.
પોલીસે બંને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખેસડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પ્રાથમિક તપાસમાં યુવક અને સગીરા ઘરેથી ભાગી ગયા બાદ પરિવાર તેમના સબંધને સ્વીકારશે નહીં તેવા ડરથી આ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે બનાવ કેવી રીતે બન્યો? બંનેએ એકી સાથે ફાંસો ખાધો કે શું ? સહિતની તપાસ અર્થે ઘટના સ્થળેનું ફોરેન્સિક પંચનામુ હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં મૃતક સગીરા પાંચ ભાઈમાં એકની એક બહેન હતી અને તેના પિતા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સામે યુવકના પિતા પણ ખેત મજૂરી કરે છે. બંને પ્રેમી પંખીડાના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે