વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા ખેડૂતે ખેતીવાડી અધિકારીના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી મોત મીઠુ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂત પોતાની વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા તે સમયે નાયબ કાર્યપાલક ઈજનેર તેની ટીમ સાથે જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા એ સમયે ખેડૂતે હાથ જોડી અધિકારીને આજીજી કરી હતી અને પોતે ખેતી કામ ન કરે તો તો શું દવા પી આપઘાત કરી લ્યે તેવું કહેતા અધિકારએ આપઘાત કરી લેવાનું કહેતા ખેડૂતે તેમની હાજરીમાં જ જીવન ટુંકાવી લીધુ હતું. ખેડૂતના આપઘાતથી તેના સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.અને અધિકારી સામે ગુનો નોંધવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં ઘેરાવ કરતા એસીપી ભરાઈ સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.
બનાવની વિગત મુજબ જસદણના ભાડલા ગામે રહેતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.55) નામનાં પ્રૌઢે ગત તા.30/5 ના રોજ બપોરનાં સાળા અગ્યારેક વાગ્યાની આસપાસ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેમને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને અહી તેમને સારવારમાં દમ તોડી દિધો હતો. આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે અમે પાંચ ભાઈઓ છીએ. અમારે ભાડલા ગામે સરિતા વિહાર તળાવ પાસે વડીલોપાર્જીત જમીન આવેલ છે. જે જમીન સંપાદન થયેલ છે.તે સંપાદન સિવાયની બચત જમીન અને વાવીએ છીએ. સંપાદન થયેલી જમીન પરત મેળવવા વર્ષોથી સરકારને રજૂઆતો કરીએ છીએ. જેની રજૂઆતો હાલ પણ શરૂ છે. તેમ છતાં સિંચાઇના નાયબ કાર્યપાલક ઈજનેર અમારી પાસેથી પૈસા લઈ જતાં હતાં તેવો આક્ષેપ કર્યો હતો.
ગુરુવારના રોજ પાંચ ભાઈમાંથી ત્રીજા નંબરનો ભાઈ રામજીભાઈ વાડીમા વાવણી માટે જમીનમાં ખેડાણ કરતો હોય ત્યારે ત્યાં નાયબ કાર્યપાલક ઈજનેર હરદેવ શર્મા તેના સ્ટાફ સાથે પહોંચ્યા હતા. અને ખેડાણ બંધ કરાવ્યું હતું. અન્ય ખેડૂત ખાતેદાર પૈસા આપે છે તું પણ પૈસા આપી દે બાદ જ કામ શરૂ કરજે. જેથી રામજીભાઈ કહેલ કે અમારી આ રોજી રોટી છે.આના શિવાય શું કરીએ અમારી પાસે પૈસા નથી. જેથી નાયબ કાર્યપાલક ઈજનેરે કામ બંધ કરાવ્યું હતું. અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં.તેમજ પૈસા નો હોય તો મરી જાવ તેમ કીધું હતું.જેથી કંટાળી રામજીભાઈએ નાયબ કાર્યપાલક ઈજનેર સહીતના સ્ટાફની હાજરીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને અહી તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે,નાયબ કાર્યપાલક ઈજનેરમાં ત્રાસથી રામજીભાઈએ આ પગલું ભર્યું હતું. જેથી તેની સામે મરવા મજબુર અને એટ્રોસીટી ગુનો નોંધવા માંગ કરી હતી. તે ઉપરાંત સિવિલ હોસ્પિટલે મૃતકરા સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી આવતા એસીપી રાધિકા ભરાઈ અને પીઆઇ ઝણકાટ સહિતનો પોલીસ કાફલો પર હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને સમજાવટ બાદ મામલો થાણે પાડ્યો હતો.
હે…અધિકારી સામે ગુનો નોંધી તાત્કાલિક પગલાં લેવા માંગ : જીજ્ઞેશ મેવાણી
ખેડૂત રામજીભાઈના મોત મામલે સિવિલ હોસ્પિટલ ખાતે અનુસૂચિત સમાજના નેતા જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા હતા. અને મૃતકના પરિવારને સાંત્વના આપી સમગ્ર બનાવની વિગત મેળવી હતી. અને મેવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીડિત પરિવાર લાંબા સમયથી સરકાર પાસે સાણથલીની જમીનની માંગણી કરી રહ્યો હતો જમીન ન મળતા તંત્રની બેદરકારીના કારણે આત્મવિલોપન કરવાની ફરજ પડી છે, જમીન રી-ગ્રાંટ કરવાનો મહેસુલમાં કાયદો છે અને આ કાયદા હેઠળ લાગુ પડતા સમાજ અને લોકોને હજારો એકર જમીન આપી શકાય છે.પરંતુ સરકારે યોગ્ય લાભાર્થીને જમીન આપી નથી.જેથી પ્રૌઢના મોત પાછળ સરકારી તંત્ર જવાબદાર હોવાનું ઉમેર્યું હતું.અને આ મામલે જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર સામે મરવા મંજૂર કર્યાનો ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી.