ખાખી શર્મસાર’: PIએ ટોલનાકે મચાવી ધમાલ, મહિલા પોલીસ બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા પકડાઈ !
કોડીનારના પીઆઈ ભોજાણીએ આઈકાર્ડ બતાવવા જેવી બાબતે કર્મચારીને ધોકાવી મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પકડવા માટે દોડધામ
સીઆઈડી ક્રાઈમમાં
કહેવા પૂરતી’ ફરજ બજાવતી નીતા ચૌધરીએ કુખ્યાત બૂટલેગર સાથે મળી પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ: બન્નેને દબોચી લેવાયા
ડિસિપ્લીન ફોર્સ ગણાતી ખાખી' મતલબ કે પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી બબ્બે ઘટના પોલીસ ચોપડે નોંધાતાં સનસનાટી મચી જવા પામી છે. આ બન્ને ઘટના આમ તો અલગ-અલગ જિલ્લામાં બની હતી પરંતુ બન્નેમાં
ખાખી કનેક્શન’ નીકળતાં લોકો આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા વગર રહી શકે તેમ નથી. કોડીનાર પોલીસ મથકમાં પીઆઈ જેવી ઉંચી પોસ્ટ પર કાર્યરત એક અધિકારીએ આઈકાર્ડ બતાવવા તેવી સામાન્ય બાબતે ટોલનાકે ધમાલ મચાવી કર્મચારીને બેફામ માર માર્યા બાદ મોબાઈલની લૂંટ ચલાવ્યાનો ગુનો નોંધાયો છે તો ભચાઉ પાસે સીઆઈડી ક્રાઈમ જેવી સંવેદનશીલ બ્રાન્ચમાં કાર્યરત મહિલા પોલીસ બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી પકડાઈ જતાં ચકચાર મચી છે.
બૂટલેગર સાથે મળીને દારૂની હેરાફેરી તેમજ પાર્ટી' કરતી સીઆઈડી ક્રાઈમ-ગાંધીધામની મહિલા પોલીસ નીતા વશરામભાઈ ચૌધરી તેમજ તેના બૂટલેગર
મીત્ર’ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભચાઉ પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યુવરાજસિંહ તેની થાર ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવી રહ્યાની બાતમી મળતાં જ ભચાઉ પોલીસ તેમજ એલસીબીની ટીમે તેને પકડવા ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈ-વે ઉપર આવેલી ગોલ્ડન ઈગલ હોટેલની સામે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. આ વેળાએ યુવરાજસિંહ ગાડી લઈને આવતાં તેને અટકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવરાજસિંહે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયાસ કરતાં ફરજ પરની પોલીસે ગાડી પર ફાયરિંગ કરવું પડ્યું હતું જેથી ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં યુવરાજને પકડી લેવાયો હતો. ધરપકડ બાદ ગાડીનું ચેકિંગ કરતાં તેમાંથી નીતા ચૌધરી પણ મળી આવી હતી સાથે સાથે દારૂ-બીયરનો જથ્થો મળી આવતાં બન્ને સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
આ જ રીતે કોડીનાર પોલીસ મથકના પીઆઈ ભોજાણી તેમજ તેની સાથે રહેલા ૨૦થી ૨૨ લોકો સામે વંથલી પોલીસે મારામારી અને લૂંટનો ગુનો નોંધ્યો છે. પીઆઈ ભોજાણી કાળા રંગની સ્કોર્પિયો કાર લઈ વંથલીના ગોદોઈ ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં રહેલા ભાવેશ ટાટમિયાએ આઈકાર્ડ માંગતાં જ પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કાર્ડ કેમ માંગ્યું તેમ કહી ફડાકા ઝીંકી દીધા હતા. આટલેથી નહીં અટકી પીઆઈએ ટોલ કર્મચારી ભાવેશનો પીછો કરી લક્કી ધાબા પાસે પહોંચીને ભાવેશની કારને આંતરી હતી. આ વેળાએ તેની સાથે અન્ય વીસેક શખ્સો પણ હોય તે બધાએ મળીને ભાવેશને ઢોરમાર મારીને તેની પાસે રહેલો ૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ લૂંટીને ફરાર થઈ જતાં વંથલી પોલીસે ગુનો નોંધી પીઆઈ સહિતનાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પીઆઈ ભોજાણી ફરાર થઈ ગયા છે, ધરપકડ માટે કાર્યવાહી ચાલું: ડીવાયએસપી
દરમિયાન આ અંગે વંથલી ડીવાયએસપી બીપીન ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે પીઆઈ ભોજાણી સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે તેમની ધરપકડ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ તેઓ ફરાર થઈ ગયા હોય લોકેશનના આધારે તેમનું પગેરું દબાવીને પકડવામાં આવશે. પીઆઈ ઉપરાંત તેની સાથે રહેલા શખ્સોની પણ શોધખોળ ચાલી રહી છે.
નીતા-યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો: એસપી
બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા પકડાયેલી સીઆઈડી ક્રાઈમની મહિલા પોલીસ નીતા ચૌધરીએ પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતાં બન્ને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસપી સાગર બાગમારે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આ બૂટલેગર અને મહિલા પોલીસ વચ્ચે શું સંબંધ છે તેની પણ તપાસ ચાલી રહી છે.