ગણેશ જાડેજા કેસમાં નવો વળાંક: સામે પડનારા રાજુ સોલંકી સહિત પાંચ સામે ગુજસીટોક
રાજુ સોલંકી, તેનો પુત્ર દેવ, સંજય ઉપરાંત જયેશ અને યોગેશની ધરપકડ: પાંચેય છેલ્લા ઘણા સમયથી એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા હોય પોલીસની આકરી કાર્યવાહી
ગોંડલના ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા અને તેમના સાગ્રીતો દ્વારા પુત્રને બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરનારા જૂનાગઢના રાજુ સોલંકી સહિત પાંચ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢ એલસીબીએ છેલ્લા ઘણા સમયથી પ્રદીપના ખાડિયા વિસ્તારમાં સંગઠિત થઈ એક બાદ એક ગુનાને અંજામ આપનારા રાજુ બાવજીભાઈ સોલંકી, જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કાળાભાઈ બગડા તેમજ સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી છે.
આ અંગે પીઆઈ જે.જે.પટેલે જણાવ્યું કે રાજુ સોલંકી ગેંગનો લીડર બની એક આખી ગેંગનું સંચાલન કરી રહ્યો હતો. આ ગેંગ દ્વારા ખૂનની કોશિશ. પોલીસ પર હુમલો, પોલીસ ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, દારૂની હેરાફેરી, હથિયારથી હુમલો, જુગાર સહિતના અનેક ગુના નોંધાયા હતા. આ તમામ ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા હોવાથી તમામ ગેંગ સ્વરૂપે કામ કરતાં હોવાનું ધ્યાન પર આવ્યું હતું. એકંદરે રાજુ સોલંકી સામે ૧૨, જયેશ ઉર્ફે જવા સામે ૯, દેવ રાજુ સોલંકી સામે ૨, યોગેશ બગડા સામે ૩ તેમજ સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી સામે ૬ ગુના નોંધાયેલા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાજુ સોલંકીના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીને ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા કાર અથડાવા જેવી બાબતે ફાર્મહાઉસમાં લઈ જઈ બેફામ માર માર્યાની ફરિયાદ નોંધાવામાં આવી હતી જે ગુનામાં ગણેશ સહિતનાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તમામ જેલમાં છે. આ ઘટના બાદ રાજુ સોલંકીએ રેલી, સભા સહિતના કાર્યક્રમો આપ્યા હતા સાથે સાથે ધર્મ પરિવર્તન કરવા સહિતની ચીમકીઓ ઉચ્ચારી હતી. આ બધાની વચ્ચે પોલીસે રાજુ સોલંકી સહિત પાંચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતાં આગામી સમયમાં આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.