કૌટુબિંક બનેવીએ ૧૭ વર્ષની સાળીને પીંખીને ગર્ભ રાખી દીધો
બે પુત્રીના પિતાએ આચર્યું કુકર્મ: ધરપકડ
જસદણની ૧૭ વર્ષીય સગીરા ઉપર કૌટુબિંક બનેવીએ જ દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. આરોપીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આકરામાં આકરી સજા થાય તે દિશામાં તજવીજ શરૂ કરી છે.
આ કુકર્મને બાબરાના લાલકા ગામે રહેતા કિશન આલાભાઈ ચાવડાએ અંજામ આપ્યો હતો. આ અંગે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત મંગળવારે તેની ૧૭ વર્ષની દીકરી ઘરેથી લાપત્તા થઈ હતી. આ પછી તપાસ કરતાં તેને કિશન ચાવડા કે ફરિયાદીના જેઠનો જમાઈ થતો હોય તે જ ભગાડી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ટીમ બનાવી કિશન અને સગીરાને શોધી કાઢી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતાં તેને છ મહિનાનો ગર્ભ હોવાનું ધ્યાન ખુલ્યું હતું.
કિશન ચાવડા અગાઉ મોરબીમાં અને ત્યારબાદ જસદણમાં હિરા ઘસવાનું કામ કરતો હતો. કિશનને સંતાનમાં બે દીકરી હોવાનું અને તે બીમાર રહેતા હોવાથી જસદણમાં સસરાના ઘરે મુકવા આવતો હતો ત્યારે જ સગીરા સાથે તેની આંખ મળી ગઈ હતી. આ પછી તેણે સગીરાને લલચાવી ૨૦૨૨થી અવાર-નવાર તેના ઉપર દુષ્કર્મ કર્યું હતું અને ભગાડી પણ ગયો હતો.
એકંદરે જસદણ પંથકમાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે કિશનની ધરપકડ કરી તેના સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.