પાનકાર્ડ રદ્દ કરવાના નામે ૩૦૦૦ની લાંચ લેતાં ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર ઝડપાયો
એસીબીનો દ્વારકા ઈન્કમટેક્સ કચેરીમાં જ દરોડો
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક બાદ એક લાંચિયા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. પાનકાર્ડ રદ્દ કરવાના નામે ૩,૦૦૦ની લાંચ લેતા ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે.
એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ મથકના પીઆઈ આર.એન.વિરાણી દ્વારા દ્વારકા ઈન્કમટેક્સ કચેરીમાં ટે્રપ ગોઠવીને ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાને પકડી લેવાયો હતો.
આ કેસના ફરિયાદીએ પોતાનું પાનકાર્ડ કઢાવ્યું હતું જે ખોવાઈ જતાં બીજું પાનકાર્ડ ઓનલાઈન કઢાવ્યું હતું તે દરમિયાન જૂનું પાનકાર્ડ મળી જતાં ફરિયાદી પાસે એક જ નામના બબ્બે પાનકાર્ડ થઈ ગયા હતા જેથી પોતે પોતાનું નવું પાનકાર્ડ રદ્દ કરાવવા ઈન્કમટેક્સ કચેરી-દ્વારકા ગયો હતો. આ પછી સુનિલકુમાર મીના દ્વારા ફરિયાદીને બે પાનકાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ કહેતાં ફરિયાદીએ પોતાને આવી કોઈ નોટિસ મળી નથી અને પોતે સામેથી બીજુ પાનકાર્ડ રદ્દ કરાવવા આવ્યો છે તેમ કહેતાં સુનિલ મીનાએ ૧૦,૦૦૦ પેનલ્ટી થશે તે ભરવી ન હોય તો તેના રૂા.૩૦૦૦ લાંચ પેટે માંગ્યા હતા જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતાં એસીબીએ ટે્રપ ગોઠવી સુનિલ મીનાને પકડી પાડ્યો હતો.