બે ભાઈઓ વચ્ચેની માથાકૂટમાં રેતી-કપચીનાં ધંધાર્થીએ ફાયરિંગ કર્યું હતું: ધરપકડ
વડ વાજડી ગામે ફાયરિંગના બનાવમાં હથિયાર અને સ્કૉર્પિયો કાર કબજે
રાજકોટની ભાગોળે વડ વાજડી ગામે નવા બંધાતા મકાનના ચણતર બાબતે બે પિતરાઈભાઈ વચ્ચે માથાકુટ થયા બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈના મિત્રએ પોતાની પાસે રહેલ હથિયાર માંથી હવામાં ફાયરીંગ કર્યાના બનાવ અંગે મેટોડા પોલીસે ગુનો નોંધી રેતી-કપચીનાં ધંધાર્થીની ધરપકડ કરી હથિયાર, સ્કોર્પિયો કાર કબ્જે કરી હતી.
આ બનાવમાં વડવાજડી ગામે રહેતા ટ્રાન્સ્પોર્ટર ભાવેશભાઈ લખમણભાઈ રાઠોડની ફરિયાદને આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં રહેતા રેતી-કપ્ચીના ધંધાર્થી સાગર મનુભાઈ ડવ (ઉ.વ.23) ની ધરપકડ કરી હતી. ભાવેશભાઈના મકાનની બાજુમાં આવેલ વાડામાં તેમનો પિતરાઈભાઈ મહેશ મેરામભાઈ રાઠોડ મકાન બનાવતો હોય ગઈકાલે ચણતર કામ વખતે મકાનની દિવાલ અને કોલમમાં નુક્શાન થતા બન્ને પિતરાઈભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે મહેશનો મિત્ર સાગર ડવ ત્યાં હાજર હોય ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળાગાળી કરી પોતાની પાસે રહેલ હથિયાર માંથી હવામાં ફાયરીંગ કરતા પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં.જોકે સાગર પોતાની સ્કોર્પિયો કાર લઈને નાશી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં મેટોડા પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ સહિતના સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ટ્રાન્સપોર્ટરની ફરિયાદ પરથી બેદરકારી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મોરબી રોડ પર રહેતા રેતી-કપ્ચીના ધંધાર્થી સાગર મનુભાઈ ડવની ધરપકડ કરી હથિયાર અને સ્કોર્પિયો કાર કબ્જે કરી આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.