આર્કિટેક્ટના મકાનમાં હાથ સાફ કરનાર રીઢો ઘરફોડિયો પકડાયો
બે મહિના પહેલાં જેલમાંથી છૂટ્યા બાદ ફરી ચોરીને આપ્યો અંજામ: ત્રણ દિ’ પહેલાં યુનિ. રોડ પર આર્કિટેક્ટના બંધ ઘરને નિશાન બનાવી ૬.૨૫ લાખ ચોર્યા’તા
રાજકોટમાં તસ્કરોનો ઉપાડો એટલી હદે વધી ગયો છે કે હવે લોકો લાંબા સમય સુધી ઘરની બહાર જતાં ફફડી રહ્યા છે સાથે સાથે અમુક પરિવારો તો ખુદ `ચોકીદારી’ કરવા મજબૂર બની ગયા છે. તહેવારો પૂર્ણ થયા બાદ ચોરટાંઓ ફરી જાગૃત થતાં પોલીસ દોડતી થવા પામી છે. દરમિયાન ત્રણ દિવસ પહેલાં યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં આર્કિટેક્ટના બંધ મકાનને નિશાન બનાવી ૬.૨૫ લાખની રોકડ-ઘરેણા સાફ કરી નાખનાર રીઢા ઘરફોડિયાને ઝોન-૨ એલસીબીની ટીમે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે અગાઉ રૈયાધાર અને હાલ નિકાવાના ખડધોરાજી ગામે રહેતા શિવા જેરામ વાજેલિયા (ઉ.વ.૪૦)ને પકડી પાડી આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જ ઋષિકેશ સોસાયટીમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરી થઈ ત્યારથી એલસીબી સહિતની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ હતી જેમાં શિવા વાજેલિયા જોવા મળતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.
શિવા વાજેલિયાએ ઋષિકેશ સોસાયટીમાં રહેતાં આર્કિટેક્ટ અક્ષય મુંગરાના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા તેમજ ૧.૩૦ લાખની રોકડ સહિત ૬.૨૫ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરી ત્યારે અક્ષય મુંગરા પોતાના પુત્રની સારવાર માટે એઈમ્સ હોસ્પિટલ ગયા હોય બંધ ઘર ભાળી જઈને શિવા વાજેલિયા ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ખુલ્યા પ્રમાણે શિવા વાજેલિયા બે મહિના પહેલાં જ સાત ઘરફોડીના ગુનામાં જામીન પર છૂટ્યો હતો પરંતુ સુધરવાને બદલે ફરી ચોરીના રવાડે ચડ્યો હતો.