દોશી હોસ્પિટલ પાસે એક્સેસની ડેકી તોડી બે ગઠિયાઓ 3 લાખ રોકડ ચોરી ગયા
કાલાવડ રોડ પર નકળંગ હોટલના માલિક એક્સેસ પાર્ક કરી હોસ્પિટલમાં ગયા ત્યારે ચોરીને આપ્યો અંજામ : સીસીટીવીમાં બંને તસ્કરો કેદ
રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ દોશી હોસ્પિટલ બહાર પાર્ક કરેલ હોટલ સંચાલકના એકસેસની ડેકી તોડી ધોળા દિવસે બે ગઠિયાઓ રોકડ રૂ. 3 લાખ સરાજાહેર ચોરી કરી નાસી છુટતા માલવિયાનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.
આ અંગેની વિગત મુજબ ગોવર્ધન ચોક પાસે મોમાઇ હોટલની પાછળ રહેતા મુનાભાઇ સવાભાઇ ચીરોડીયા (ઉ.વ.39) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે નકળંગ હોટલ ચલાવે છે. બપોરે 1 વાગ્યાની આસપાસ તેઓ કોટેચા ચોક નજીક આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા.ત્યાંથી તેમને રૂ. 9.90 લાખ ઉપાડયા હતા.બાદમાં તેઓએ પોતાની હોટલ ગયા હતા જયાં 1.90 લાખ મુકી બાકીના રૂ. 8 લાખ લઈ તેઓ ગોંડલ રોડ પર આવેલ સમૃધ્ધિ ભવનમાં આંગડીયા પેઢીએ પહોંચ્યા હતા. જયાં પ લાખ જમા કરાવી બાકીના 3 લાખ એકસેસની ડેકીમાં નાખી દોશી હોસ્પિટલે સબંધીની ખબર કાઢવા જવાનું હોવાથી તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.
ત્યાં ગેઇટ બહાર એકસેસ પાર્ક કરી હોસ્પિટલ અંદર ગયા હતા. 15 મીનીટ બાદ તેઓ હોસ્પિટલ બહાર નીકળતા એકસેસની ડેકી ખુલ્લી હતી અને તેમાં રાખેલ 3 લાખ રોકડ પણ પણ ગાયબ હતા.જેથી ઘટનાની માલવિયા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા જોતા તેમા એક હેલ્મેટ પહેરેલ અને એક મોઢા પર રૂમાલ બાંધેલ શખ્સ ટુ વ્હીલરમાં આવી ચોરીને અંજામ આપી નાસી છુટતા જોવા મળ્યા હતા.જેથી હાલ સીસીટીવી ફુટેજના આધારે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ રાખી છે.