ATMમાં કળા’ કરી પૈસા ઉપાડી લેતો ગઠિયો પકડાયો: ૩૩ કાર્ડ મળ્યા
મોટાભાગના કાર્ડ પરિવારના: ૧૦,૦૦૦ સુધીની જ રકમ ઉપાડવાનો રાખતો આગ્રહ
રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ, સુ.નગર, નડિયાદ, ગાંધીધામ સહિતના સ્થળે કર્યો'તો હાથફેરો
રાજકોટના નાગરિક બેન્ક ચોક પાસે શ્યામ કોમ્પલેક્સમાં આવેલી કેનેરા બેન્કની બ્રાન્ચના એટીએમમાં
કળા’ કરીને ૯,૦૦૦ રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ નોંધાતાં જ ભક્તિનગર પોલીસ દ્વારા હરિયાણાના ગઠિયાને પકડી લેવામાં આવ્યો છે. પોલીસને ગઠિયાના કબજામાં ૩૩ એટીએમ કાર્ડ પણ મળ્યા છે જે તમામ હરિયાણા સહિતના રાજ્યના છે અને આ કાર્ડ ગઠિયાના પરિવારજનોના જ હોવાનું હાલ લાગી રહ્યું છે. ગઠિયાની ધરપકડ બાદ તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
ભક્તિનગર પીઆઈ એમ.એમ.સરવૈયા, પીએસઆઈ એમ.એન.વસાવા સહિતના સ્ટાફે એટીએમમાં ચેડાં કરીને છેતરપિંડી આચરનારા અનિશ સફી મોહમ્મદ મવ (ઉ.વ.૩૧, રહે.નુહ-હરિયાણા)ને પકડ્યો છે. અનિશ પાસેથી ગુનામાં વપરાયેલા બે એટીએમ કાર્ડ ઉપરાંત અલગ-અલગ બેન્કના ૩૩ કાર્ડ, એટીએમ મશીનનું મોનીટર ખોલવા માટે ઉપયોગમાં લીધેલી બે ચાવી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.
પ્રારંભિક તપાસ પ્રમાણે અનિશ દ્વારા જુદા જુદા બેન્ક ખાતા ભાડેથી રાખી તે ખાતાના એટીએમ કાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ પછી જે તે બેન્કના એટીએમમાં જઈ મશીનના મોનિટર ચાવીથી ખોલી પૈસા ઉપાડી લેતો હતો. આ પછી મોનીટરની સ્વિચ બંધ કરી ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી દેવાતી હતી. આ કળા કર્યા બાદ બેન્કના હેલ્પલાઈનમાં ફોન કરી તેણે જે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હોય ત્યાંથી તે એટીએમની વિગત આપી તેના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે પરંતુ એટીએમમાંથી પૈસા મળ્યા નથી તેવી ફરિયાદ કરી બેન્ક પાસેથી રૂપિયા રિવર્સ કરાવી લેવામાં આવતા હતા. આ પ્રકારે તેણે રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ સહિતના શહેરોમાં હાથફેરો કર્યો હોવાની કબૂલાત આપી હતી.