પૂનામાં બે દિ’ સુધી ફિલ્ડિંગ’ ગોઠવી ૨૨ વર્ષથી નાસતાં ફરતાં ગઠિયાને પકડી લેવાયો
રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સવાર-બપોર-સાંજ આરોપી પર રાખી નજર: બનાવટી દસ્તાવેજના આધારે ૪.૫૦ લાખની લોન લઈ થઈ ગયો'તો ફરાર
દારૂના ગુન્હામાં ૯ વર્ષથી ભાગી રહેલા બૂટલેગરને પકડવામાં બે વખત મળી નિષ્ફળતા, ત્રીજા પ્રયત્ને ઉઠાવી લેવાયો
રાજકોટમાં પીસીબી, ડીસીબી, એસઓજીની સાથે જ નાસતાં ફરતાં આરોપીઓને ઝબ્બે કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પણ
એક્ટિવ’ થઈ જવા પામી છે. એકંદરે આ સ્કવોડમાં પીઆઈ, પીએસઆઈ સહિતનું મહેકમ પૂર્ણ થઈ જતાં કામગીરી પણ દેખાવા લાગી છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસને ચકમો આપવામાં સફળ રહેતાં આરોપીઓ દબોચાઈ રહ્યા છે. આવો જ એક આરોપી કે જે ૨૫ વર્ષની ઉંમરે રાજકોટમાં ગુન્હો આચરીને ફરાર થઈ ગયો હતો તેને રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પૂનામાં બે દિવસ સુધી `ફિલ્ડિંગ’ ગોઠવીને પકડી લેવામાં સફળતા હાંસલ કરી હતી.
પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી.તેરૈયા સહિતની ટીમને બાતમી મળી હતી કે ૨૨ વર્ષ પહેલાં બનાવટી દસ્તાવેજોના આધારે બેન્કમાંથી ૪.૫૦ લાખ રૂપિયાની લોન લઈ ફરાર થઈ જનારો નૈમિષ વિનોદભાઈ કાથરાણી (ઉ.વ.૪૭, રહે.પૂના) મહારાષ્ટ્રમાં છૂપાઈ ગયો છે. ટીમે મહારાષ્ટ્ર જઈને નૈમિષને પકડવા માટે જાળ બીછાવી હતી. પાંચ જવાનોની ટીમે સવાર-બપોર-સાંજ એમ ત્રણેય સમય બે દિવસ સુધી નૈમિષની હલન-ચલન ઉપર વોચ રાખી હતી અને જેવી તક મળી કે તેને દબોચી લેવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે નૈમિષે જ્યારે ગુન્હો આચર્યો ત્યારે તેની ઉંમર ૨૫ વર્ષની હતી અને હવે તે ૪૭ વર્ષનો થઈ ગયો હોવાથી તેના દેખાવમાં પણ ફેરફાર થઈ ગયો હતો. ખાસ કરીને ગુન્હો આચર્યો ત્યારે તેના માથા પર આછા-ઘાટા વાળ હતા પરંતુ અત્યારે સાવ વાળ ન હોવાથી તેની ઓળખ કરવામાં પોલીસને થોડી મુશ્કેલી પણ પડી હતી.
આ જ રીતે ટીમે ચોટીલાના પાંચવડા ગામેથી દારૂની હેરાફેરીના ગુન્હામાં નવ વર્ષથી નાસતા ફરતાં રાજુ વેલાભાઈ મકવાણાને પકડી પાડ્યો હતો. રાજુને પકડવા માટે અગાઉ બે વખત પ્રયાસ કરાયો હતો પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.