અપહરણ-હત્યાના પ્રયાસ-એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજાને મળ્યા જામીન
ચાર મહિના બાદ આજે જેલમાંથી થશે છૂટકારો: ૧૧માંથી પાંચના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ: છ મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશબંધી
જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સાથે ગાડી અથડાવા બાબતે થયો’તો ડખ્ખો
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ)ને યુવકનું અપહરણ-હત્યાનો પ્રયાસ-એટ્રોસિટી કેસમાં આખરે જામીન મળી ગયા છે. છેલ્લા ચાર મહિનાથી જેલમાં બંધ ગણેશ ગોંડલનો આજે છૂટકારો થશે પરંતુ સાથે સાથે હાઈકોર્ટ દ્વારા તેમને છ મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશ નહીં કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં ૧૧ આરોપી જેલમાં બંધ હતા જેમાંથી ગણેશ ગોંડલ સહિત પાંચ લોકોના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જૂનાગઢના અનુસુચિત જાતિના પ્રમુખના પુત્ર અને જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકી સાથે ગાડી અથડાવા બાબતે ગણેશ ગોંડલ સહિતનાએ માથાકૂટ કરી હતી અને માર માર્યો હતો. આ પછી તેની સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગણેશ ગોંડલ સહિત ૧૧ લોકો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી લીધી હતી.
આ પછી ગણેશ ગોંડલ સહિતના દ્વારા જામીન પર છૂટવા માટે અનેક વખત જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ વારંવાર નામંજૂર થઈ રહી હતી. આખરે ગુરૂવારે હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં ગણેશ ગોંડલના સમર્થકોમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
જેલમાં રહીને ગણેશ ગોંડલે ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી જીતી હતી
આ કેસમાં જેલમાં ગયા બાદ ગણેશ ગોંડલે જેલમાં બેઠા બેઠા ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને શાનદાર જીત હાંસલ કરી હતી. દરમિયાન ગુરૂવારે તેમની વાઈસ ચેરમેન તરીકે પસંદગી પણ કરવામાં આવી હતી ત્યારે આજે તેમનો છૂટકારો થયા બાદ વાઈસ ચેરમેન તરીકેનો કાર્યભાર પણ સંભાળી લેશે તેવું જાણવા મળી રહ્યું છે.