પિતા-પુત્રએ જેલમાંથી છૂટીને પાંચ ઘરમાં હાથ માર્યો, મળ્યું કશું નહીં !
ચોરી કરવા જાય એટલે છરી, પકકડ, સળિયો, ડીસમીસ સહિતનું સાથે જ રાખતાં: દસ દિ’માં રૈયા રોડ, યુનિ.રોડ, બજરંગવાડી સહિતના વિસ્તારમાં ચોરી કરવા ગયાની કબૂલાત
ઓળખ ન થઈ શકે તે માટે ચોરી કરવા ઘૂસનારો શખ્સ માથા પર વિક-મોઢે બુકાની બાંધી લેતો: ઝોન-૨ એલસીબી ટીમે બેલડીને દબોચી લીધી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ ઉપાડો લીધો હોય લોકોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પોલીસે પણ ચોરટાંઓને પકડી પાડવા માટે કમર કસી લીધી હોય તેમ એક બાદ એકને પકડી રહ્યા છે. આવી જ એક પિતા-પુત્રની જોડી કે જેણે જેલમાંથી છૂટીને સુધરવાને બદલે બગડવાનું નક્કી કર્યું હોય તેમ ૧૦ દિવસની અંદર પાંચ ઘરમાં હાથ માર્યો હતો પરંતુ તેમને કશું જ મળ્યું ન્હોતું. આ જોડી વધુ કોઈ ઘરને નિશાન બનાવે તે પહેલાં જ એલસીબી ઝોન-૨ની ટીમે બન્નેને પકડી પાડી પાંચ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.
એલસીબી ઝોન-૨ પીએસઆઈ આર.એચ.ઝાલા, એએસઆઈ જે.વી.ગોહિલ સહિતના સ્ટાફે શીતલ પાર્ક મેઈન રોડ પર એરપોર્ટ દિવાલ પાસેથી રાહુલ ઉર્ફે પંડિત બાદલભાઈ બનજારા (ઉ.વ.૫૧, રહે.રાજસ્થાન) અને તેનો પુત્ર બાદલ રાહુલ બનજારા (ઉ.વ.૨૩)ને બે ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યા હતા. આ બન્ને પકડાયા તે પહેલાં બંધ મકાનની રેકી જ કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
બન્નેને પકડી લીધા બાદ કબૂલાત આપી હતી કે રાહુલ જામનગર અને તેનો પુત્ર બાદલ રાજકોટની જેલમાં સજા કાપી રહ્યા હતા. અહીંથી છૂટ્યા બાદ તેમણે રૈયા રોડ પર સૌરભ સોસાયટી, સાત દિવસ પહેલાં યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગર સોસાયટી, ત્રણ દિવસ પહેલાં બજરંગવાડી સર્કલ પાસે પુનિતનગર સોસાયટીમાં આવેલા બંધ મકાન, એ જ રાત્રે બજરંગવાડી સર્કલ પાસે પુનિતનગર સોસાયટી શેરી નં.૮માં એક મકાન અને બજરંગવાડી સર્કલ પાસે શ્યામનગરમાં આવેલા બંધ મકાનમાં ચોરી કરવા ત્રાટક્યા હતા પરંતુ કશું હાથ લાગ્યું ન્હોતું.
આ પિતા-પુત્ર બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરી કરવા જાય એટલે બન્ને નેફામાં છરી, કાતર, ગણેશીયો, પક્કડ, બુકાની અને ટોર્ચ લઈ જતા હતા. રાહુલ માથામાં વીક અને મોઢે બુકાની પહેરી લેતો હતો જેથી તેની ઓળખ ન થઈ શકે. જ્યારે તેનો પુત્ર બાદલ બહાર ધ્યાન રાખતો હતો. આ બન્ને પાસેથી બે બાઈક મળ્યા છે જેમાંથી એક ખેડા અને બીજું નિર્મલા રોડ પરથી ચોરી કર્યું હતું. આ ઉપરાંત ચાંદીના સાંકળા પણ ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. પોલીસે બન્નેપાસેથી રોકડ સહિત ૭૯૮૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.