‘હું નહીં તો તું’ય નહીં : પૂર્વ પતિની બીજી પત્નીને ઝેર પાઈ મારી નાખવાનો પ્રયાસ
પુનિતનગર પાસે વાવડી ગામનો બનાવ : છૂટાછેડા બાદ યુવકે બીજા લગ્ન કરી લીધાનો ખાર રાખી પૂર્વ પત્ની વીફરી : ઘરે આવી હાલની સર્ગભા પત્ની અને તેના ગર્ભમાં રહેલા સંતાનને મારી નાખવા પ્રયાસ કર્યો
રાજકોટમાં પુનિતનગર પાસે વાવડી ગામે રહેતા યુવકે તેની પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.જેથી આ વાતનો ખાર રાખીને તેની પૂર્વ પત્ની યુવકના ઘરે ઘસી આવી હતી.અને બીજી પત્નીને મારી નાખવા તેની સાથે મારામારી કરી તેણીને ઝેરી દવા બળજબરીથી પીવડાવી દીધી હતી. ઉપરાંત તેણીના પેટમાં રહેલા સંતાનને મારી નાખવા પેટમાં લાત મારી હતી.જેથી આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાવડી ગામે રહેતા મંજુલાબેન સુંદરવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેની પૂર્વ પુત્રવધુ નીકીતા નાનજી દવેરા(રહે.શાપર)નું નામ આપતા જણાવ્યું હતું કે,તેના પુત્ર જીત સાથે નીકીતાના લગ્ન થયા હતા.અને તેમણે સંતાનમાં એક પુત્રી છે.થોડા સમય બાદ બંને વચ્ચે બોલાચાલી થતાં તેઓએ છૂટાછેડા લઇ લીધા હતા.બાદમાં જીતે 8 માસ પૂર્વે ચાર્મી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અને તેણીને હાલ પાંચ માસનો ગર્ભ છે.નીકીતા સાથે જીતના છૂટાછેડા થયા બાદ તેને ચાર્મી નામની યુવતી સાથે લગ્ન કરી લીધા તે વાતનો ખાર રાખી નીકીતા ચાર્મી સાથે અવારનવાર ઝગડો કરતી હતી.ગત તા.31-08ના ચાર્મી તેના ઘરે હતી ત્યારે નીકીતા ઘર પર ઘસી આવી હતી.અને તું કેમ જીત સાથે રહે છે.અને કેમ તે લગ્ન કર્યા છે.તેમ કહી ઝગડો કરી ચુંદડી વડે ચાર્મીને ગળેટુંપો દેવાનો પ્રયત્ન કર્યો હતો.અને ઝેરી પાવડર પાણીમાં નાખીને ચાર્મીને બળજબરીથી પીવડાવી દીધો હતો.ઉપરાંત ચાર્મીને પાંચ માસનો ગર્ભ હોવાથી તેના પેટમાં રહેલા સંતાનને મારી નાખવાના ઇરાદે પેટમાં નીકીતાએ લાત મારી હતી.ઘરમાં દેકારો થતાં જ આસપાસના લોકો દોડી આવતા નીકીતા ઘરેથી ભાગી ગઈ હતી.અને આ ઘટનાની જાણ ચાર્મીના પતિ જીત તેમજ તેમના સાસુને થતાં તેઓએ ચાર્મીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યારે આ મામલે તાલુકા પોલીસે નીકીતા સાથે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.