કહી અતુલ મોટર્સના મેનેજર પર ડ્રાઈવરનો હુમલો
શહેરમાં ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સ શોરૂમમાં ધસી આવેલા ડ્રાઈવરે મેનેજરને મારી નાખવાની ધમકી આપી તેના પર હુમલો કરતાં મેનેજર ઘવાયો હતો. જેથી તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ પુષ્કરધામની પાછળ વિમલનગર મેઈન રોડ પર રહેતા ભાવિનભાઈ ચંપકલાલ ઠકરાર (ઉ.36)એ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લખધીર સોહલાનું નામ આપતા જણાવ્યું હતું કે તેઓ ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સના શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બપોરના સમયે તેઓ શોરૂમ પર નોકરી પર હતા ત્યારે શોરૂમમાં કોન્ટ્રાકટ પર ડ્રાઈવીંગ કરતો લખધીર સોહલા તેમની ઓફીસે ધસી આવ્યો હતો. જેથી મેનેજરે તેને થોડી વાર બાદ આવવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો.અને ‘આજે તો તને પતાવી જ દેવો છે’ તેમ કહી ગાળો આપી કડાનો એક ઘા કપાળના ભાગે અને માથાના ભાગે ઝીંકી દીધો હતો. દરમ્યાન તેમને લોહી નીકળવા લાગતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે એ ડિવિઝન પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.