રાજકોટની માધાપર ચોકડી પાસે રહેતાં ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડ ક્વાર્ટર જઈને આપઘાત કર્યો પેટા: સવા વર્ષ પહેલાં જ લગ્નના તાંતણે બંધાયો'તો, આપઘાત કરવા પાછળનું સચોટ કારણ અકબંધ વોઈસ ઓફ ડે, રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા મવડી પોલીસ હેડ ક્વાર્ટરની
બી’ વિંગના સાતમા માળેથી છલાંગ લગાવી પોલીસ કોન્સ્ટેબલે જીવનલીલા સંકેલી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ૬ મહેિના પહેલાં જ જેતપુરથી જિલ્લા પોલીસ વડાની કચેરીની રીડર બ્રાન્ચમાં બદલી થઈને આવેલા ૨૩ વર્ષીય ભાર્ગવ કમલેશભાઈ બોરીસાગરે બે દિવસ પહેલાં જ જેતપુરમાં રહેતાં પિતા કમલેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે પપ્પા, મને અહીં જરા પણ ગમતું નથી…! આવું કહ્યાના બે દિવસ બાદ તેણે જીવનલીલા સંકેલી લેતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. મૃતક ભાર્ગવ બોરીસાગર માતા-પિતા, બહેન તેમજ પત્નીને વલોપાત કરતાં છોડી ગયો છે. માધાપર ચોકડી પાસે મહાવીર સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહેતાં ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડ ક્વાર્ટર જઈને શા માટે આપઘાત કર્યો તે વાતનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. ભાર્ગવ સવા વર્ષ પહેલાં જ લગ્નના તાંતણે બંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભાર્ગવના માતા-પિતા, બહેન તેમજ પત્ની રાજકોટ દોડી આવ્યા હતા. મૃતક ભાર્ગવ રાજકોટમાં ઝોન-૧ એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં બી.વી.બોરીસાગરનો સગો ભત્રીજો થતો હોવાનું ધ્યાન પર આવ્યું છે.
એકદમ શાંત સ્વભાવનો ભાર્ગવ બે દિ’થી ટેન્શનમાં હતો, મંગળવારે સાંજે ૭ સુધી કચેરીમાં હતી હાજરી
`વોઈસ ઓફ ડે’ દ્વારા આ ઘટના અંગે ભાર્ગવ બોરીસાગર સાથે એસપી કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતાં તેના સાથી કર્મચારીને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ભાર્ગવ એકદમ શાંત સ્વભાવનો અને બધા સાથે હળીમળી જનારો હતો. જો કે છેલ્લા બે દિવસથી તે એકદમ ટેન્શનમાં હોય તેવું અમારા ધ્યાન ઉપર આવ્યું છે. મંગળવારે એટલે કે ઘટનાના એક દિવસ પહેલાં તે ૭ વાગ્યા સુધી કચેરીમાં જ ઉપલબ્ધ હતો. બુધવારે સવારે ૧૧ વાગ્યે તેને હાજર થવાનું હતું પરંતુ તે સીધો મવડી હેડ ક્વાર્ટર પહોંચ્યો હતો. ભાર્ગવને બે દિવસ પહેલાં જ હેડ ક્વાર્ટરમાં ક્વાર્ટર લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મારા ઘડપણથી લાકડી છીનવાઈ ગઈ..માતાનો કરુણ કલ્પાંત
મૃતક ભાર્ગવના માતાને દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેઓ રાજકોટ દોડી આવ્યા હતા અને પુત્રનો મૃતદેહ જોઈ એકદમ ભાંગી પડ્યા હતા. ભાર્ગવનું મુખ જોતાં જ તેમણે હૈયાફાટ રૂદન કરીને કહ્યું હતું કે હે ભગવાન, મારા ઘડપણની લાકડી તે છીનવી લીધી…! આ શબ્દો સાંભળી ઉપસ્થિત સૌ કોઈ રડી પડ્યા હતા.
હું કંઈ SP થોડો છું કે તારી બદલી કરી શકું: પિતાએ કીધેલા છેલ્લા શબ્દો
બે દિવસ પહેલાં ભાર્ગવે પિતા કમલેશભાઈ બોરીસાગરને ફોન કરીને કહ્યું હતું કે પપ્પા, મને રાજકોટમાં જરા પણ ગમતું નથી ત્યારે કમલેશભાઈએ કહ્યું હતું કે હું કંઈ એસપી (જિલ્લા પોલીસવડા) થોડો છું કે તારી બદલી કરી શકું…! બસ, આ વાતના બે દિવસ બાદ ભાર્ગવે અંતિમ પગલું ભરી લીધું હતું.
પિતાને જેતપુરમાં મહાદેવ ઘૂઘરા નામની દુકાન, નિધનની જાણ થતાં જ પત્નીની હાલત અત્યંત ખરાબ
જાણવા મળ્યા મુજબ મૃતક ભાર્ગવના પિતાને જેતપુરમાં મહાદેવ ઘૂઘરા નામની દુકાન છે. ભાર્ગવે સામેથી જ રાજકોટમાં બદલી માંગી હતી અને તેની બદલી પણ કરવામાં આવી હતી. બીજી બાજુ પતિના નિધનની જાણ થતાં જ પત્ની રાજકોટ દોડી આવી હતી પરંતુ એક શબ્દ બોલવાની તેનામાં હિંમત ન્હોતી…!
અમને કશી ખબર જ ન પડી…!
જ્યાંથી ભાર્ગવે મોતની છલાંગ લગાવી તે મવડી પોલીસ હેડ ક્વાર્ટરના સાતમા માળે ચાર ફ્લેટ આવેલા છે જેમને `વોઈસ ઓફ ડે’ દ્વારા પૂછવામાં આવતાં કોઈને પણ ભાર્ગવે અહીં આવીને કૂદકો લગાવ્યો છે તેની જાણ ન થઈ હોવાનો જવાબ મળ્યો હતો. તમામને ધડામ દઈને અવાજ આવ્યો ત્યારે જ કોઈ ઉપરથી પડ્યું છે તેની જાણ થઈ હતી.
રાજકોટમાં પોલીસના આપઘાતની ચાર વર્ષ બાદ ત્રીજી ઘટના
રાજકોટમાં પોલીસના આપઘાતની ચાર વર્ષ બાદ ત્રીજી ઘટના નોંધાઈ છે. ચાર વર્ષ પહેલાં શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં હોકી ખેલાડી આશીષ દવેએ ગળાફાંસો ખાઈને મોત મીઠું કર્યું હતું. આ પછી ૫ સપ્ટેમ્બર-૨૦૨૩ના જેતપુર સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિયાબેન સરીયાએ આપઘાત કર્યો હતો. આ પછી ૨૪ એપ્રિલ-૨૦૨૪ના ભાર્ગવ બોરીસાગરે મોતની છલાંગ લગાવી જીવનનો અંત આણ્યો છે.