રમકડાની આડમાં નશીલા પદાર્થો લાવવાના ષડ્યંત્રનો પર્દાફાસ
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોનાં બાળકોએ ડાર્ક વેબ મારફત જથ્થો મગાવ્યો
બાળકોનાં રમકડાંમાંથી કરોડોનો હાઈબ્રિડ-લિક્વિડ ગાંજો મળી આવતા પોલીસ ચોંકી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી રૂ. 3.48 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા અગાઉ હાઈબ્રિડ ગાંજો અને ડ્રગ્સ લેતા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ સાથે ગુજરાતનાં લગભગ 15 કરતાં વધારે બાળકોની પૂછપરછ હાથ ધરી હતી અને સાથે રાજ્ય બહાર દિલ્હી, મુંબઈ અને બેંગલોર ખાતેનાં બાળકોનું પણ કાઉન્સલિંગ કરવામાં આવ્યું અને મહત્ત્વની કડીઓ મળી કે અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી મોટી માત્રામાં ડ્રગ્સ આવી રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચનાં એ.સી.પી. ભરત પટેલના જણાવ્યા મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 કલાક કરતાં વધારે સમયમાં શહેર પોલીસનાં ડોગ સ્કોડ સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પોસ્ટ ઓફિસ ખાતે હજારોની સંખ્યામાં પાર્સલ પડ્યા હતા અને તેમાંથી 58 જેટલા પાર્સલ અલગ કરવામાં આવ્યા અને તેની એક બાદ એક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળકોનાં રમકડામાંથી BABY BOOTIES, BABY DIPPER OUTLET PLUGS, TEETHER TOY, રમકડાંનું જેટ વિમાન, ટ્રક, રમકડાંની ટૂલ કીટ, સ્પાઇડર મેન બોલ, સ્ટોરી બુક, ફોટો ફ્રેમ, ચોકલેટ, જેકેટ, લેડીઝ ડ્રેસ, GINO S PIZZA, લંચ બોક્ષ, વિટામિન કેન્ડી, સ્પીકર અને એન્ટિક બેગમાંથી રૂ. 3.48 કરોડનો હાઈબ્રિડ અને લિક્વિડ ફોરમમાં ગાંજો મળી આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસનાં ડોગ સ્કોડ દ્વારા અલગ રાખેલા 58 પાર્સલ UK, US અને કેનેડા ખાતેથી આવ્યા હતા. તમામ પાર્સલ ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે 15થી 17 વર્ષીય બાળકો દ્વારા મંગાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગાંજાની કિંમત વધુ હોવાથી મોટા ઘરના બાળકો સોશિયલ મીડિયાનાં માધ્યમથી ડાર્ક વેબ પરથી ક્રિપ્ટો કરન્સી મારફતે મંગાવ્યું હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતના લગભગ 15 કરતા વધારે બાળકોનું કાઉન્સિલગ કરતા આ મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.
આ સમગ્ર કેસમાં દિલ્હી, મુંબઈ, બેંગલોર અને અમદાવાદનાં ડ્રગ્સ પેડલરોની માહિતી સામે આવી છે. આગામી સમયમાં એ તમામ ડ્રગ્સ માફિયા સામે પણ કાર્યવાહી કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ વાલીઓને એક અપીલ કરવામાં આવી રહી છે તમે તમારા બાળકો સામે પણ ધ્યાન આપો અને આ પ્રકારના દુષણોથી દૂર રાખો.