હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે એસઆરપીનો બદોબસ્ત ગોઠવાયો
રાજકોટની હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના વિધાર્થી અને વિધર્મી શખ્સો વચ્ચે માથાકુટ થયા બાદ સામે સામે મારામારી થતાં ચારને ઇજા પહોંચી હતી.બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે દોડી ગયો હતો. સલામતી માટે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે એસઆરપીનો બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાવ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય પાસે વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ માથાકુટ થતાં અને તેનો વિડીયો ઉતારવા અંગે બોલાચાલી માં વાત વણસી હતી.
આ માથાકુટમાં હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયમાં રહેતા મુળ બોટાદના ગઢાળી ગામના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૨) તથા કુલદિપસિંહ જનકસિંહ જાડજા (ઉ.વ.૨૨)ને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એ-ડિવીઝન પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય બહાર રોડ પર યુવરાજસિંહ ઉભા હતા ત્યારે બે શખ્સો છાત્રાલયના બીજા શખ્સો સાથે ઝઘડો કરતાં હોઇ યુવરાજસિંહ અને કુલદિપસિંહ છોડાવવા જતાં તેની સાથે માથાકુટ કરી મારામારી કરવામાં આવી હતી. સામેના છોકરાએ પોતાનું નામ વસીમ કહ્યું હતું. બાદમાં તેને દૂર મુકી આવવામાં આવ્યા બાદ ફરીથી વસીમ સહિતના અમુક શખ્સોએ આવી માથાકુટ કરી મારામારી કરી હતી.
સામા પક્ષે રૈયા રોડ કનૈયા ચોકમાં રહેતાં વસીમ અને દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતાં એઝાજ નામના યુવાનને પણ ઇજા થઇ હતી. તેની પુછપરછમાં જાણવા વસીમના કહેવા મુજબ તે પોતાના મિત્ર સાથે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય પાસે બૂલેટના પાર્ટ લેવા આવ્યા ત્યારે વાહન છાત્રાલય પાસે ઉભેલા છોકરાને અડતાં અડતાં રહી જતાં ઝઘડો થયો હતો. એઝાઝે જણાવ્યું કે પોતે ક્રિકેટ મેચની ટ્રોફી લેવા યાજ્ઞિક રોડ પર જતો હતો ત્યારે હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય પાસે માથાકુટ ચાલતી હોઇ ત્યાં જઇ મોબાઇલથી શુટીંગ કરતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો અને મારામારી થઇ હતી.એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ ડી. એમ. હરીપરા સહિતનો કાફલો પહોંચ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઇ નથી છતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી. એસઆરપી જવાનોનો બંદોબસ્ત પણ હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો.