દીપડાની બીકે બાળકોને પાંજરે પૂર્યા !!
-રાજુલાના ઝાપોદર ગામે મજબુર પિતાએ પોતાના સંતાનોને સુરક્ષિત રાખવા માટે મોટુ પાંજરું બનાવ્યું
ગીરના જંગલમાં વસતા પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે એ પ્રકારની ઘટનાઓ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા માટે રોજીંદી થઇ ગઈ છે. આ જિલ્લાના અનેક ગામડાઓમાં સિંહ અથવા દીપડા ગમે ત્યારે આવી ચડે છે અને શિકાર કરે છે. ઘણી વખત બાળકો અને મોટેરા ઉપર પણ હુમલા થાય છે અને ભયનું વાતાવરણ છવાઈ જાય છે. આ સ્થિતિમાંથી બચવા માટે રાજુલાના ઝાપોદર ગામે એક ખેતમજૂરે પોતાના સંતાનોને આ પ્રકારના પ્રાણીઓથી બચાવવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે અને આ પ્રયોગથી બાળકો સલામતિ પણ અનુભવી રહ્યા છે.
ઝાપોદરમાં રહેતા એક શ્રમિક પરિવારે માસૂમ બાળકોને સિંહ અને દીપડાથી સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે અને રાત્રે બાળકોને આ પીંજરામાં પૂરી દઈને સુવડાવી દ્યે છે. ઝાપોદર ગામની સીમમાં રહેતા ભરત બારૈયા નામના શ્રમિકે આ પાંજરું બનાવ્યું છે અને તેમાં રાત્રે પોતાના છ એ છ સંતાનોને તેમાં સુવડાવી દ્યે છે. રાજુલાના સિમ વિસ્તારમાં ખેડૂતો ખેતરોમાં મોડી રાત્રે પાણી વળતા હોય છે. આ દરમિયાન દીપડાઓ આતંકથી બાળકોની સુરક્ષા માટે આ પાંજરું બનાવ્યું છે.
અમરેલી જિલ્લામા દીપડાઓની રંજાડ વચ્ચે બાળકોને વધુ ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિને કારણે ગ્રામિણ વિસ્તારોમાં ભય છવાયેલો રહે છે.
