ડૉક્ટર-તેના સાગ્રીતે પ્રેમજાળમાં ફસાવી દગો’ આપતાં યુવતીનો આપઘાત
કોર્ટના આદેશ બાદ સવા વર્ષે પોલીસે નોંધ્યો ગુન્હો
ડૉ.પાર્થ જોબનપુત્રા અને તેના મીત્ર મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રાએ યુવતીના ફોટા-વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપવા ઉપરાંત એટીએમ કાર્ડ સહિતનું પડાવી લીધું'તું
રાજકોટમાં આજથી સવા વર્ષ પહેલાં એટલે કે ૨૪-૫-૨૦૨૩ના ધ્રોલની યુવતીએ ડૉક્ટર અને તેના સાગ્રીત દ્વારા પ્રેમજાળમાં ફસાવ્યા બાદ
દગો’ મળતાં કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બન્યા બાદ આરોપીઓને સજા મળે તે માટે બિંદિયાના પરિવારજનોને કોર્ટનું શરણું લેતાં કોર્ટે ડૉક્ટર અને તેના સાગ્રીત સામે ફરિયાદ નોંધવાનો હુકમ કરતાં ગાંધીગ્રામ પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
ધ્રોલમાં રહેતા યુવતીના માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પુષ્કર ધામ મેઈન રોડ પર રહેતા ડૉ.પાર્થ દીપકભાઈ જોબનપુત્રા અને તેના સાગ્રીત મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા દ્વારા લગ્નની લાલચ આપી તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. આ પછી પુત્રીના ફોટો અને વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી ડૉ.પાર્થ જોબનપુત્રા દ્વારા આપવામાં આવી રહી હતી. જ્યારે ડૉ.પાર્થના સાગ્રીત મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા દ્વારા ફરિયાદીની પુત્રીના અલગ-અલગ બેન્કના એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા હતા જે પરત આપતા જ ન્હોતા. એકંદરે ડૉ.પાર્થ અને મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા દ્વારા યુવતીને લગ્ન કરવાના બહાને શોષણ કરવામાં આવી રહ્યું હોય આ બન્નેથી કંટાળી ૨૪-૫-૨૦૨૩ના તેણે માધાપર ચોકડી પાસે અતુલિયમ આંગનવન બી-૧૦૪ નામના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ડૉ.પાર્થનું ક્લિનિક ક્યાં છે તેની મને ખબર નથી: એસીપી
રાજકોટના ડૉ.પાર્થ જોબનપુત્રા દ્વારા યુવતીનું શોષણ કરી મરવા માટે મજબૂર કરવાનો ગુન્હો નોંધાયો છે ત્યારે આ અંગે એસીપી (વેસ્ટ) રાધીકા ભારાઈનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ડૉ.પાર્થ જોબનપુત્રાનું ક્લિનિક ક્યાં આવેલું છે તેની મને ખબર નથી. આ ઉપરાંત મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા અને ડૉ.પાર્થ જોબનપુત્રા વચ્ચે શું સંબંધ છે તેનો પણ તેમને ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. માત્ર કોર્ટના આદેશના આધારે જ ગુન્હો નોંધવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.