મુંબઈના અટલ સેતુ પરથી કુદી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ… કેબ ડ્રાઈવરે કર્યું કંઇક આવું !!
હજુ થોડા સમય પહેલા જ મુંબઈના અટલ સેતુ પરથી એન્જીનીયરે ઝંપલાવ્યું હતું ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ આત્મહત્યા કરવા માટે દરિયામાં કૂદી પડી, તે જ ક્ષણે કેબ ડ્રાઈવરે તેને પકડી લીધી હતી. થોડીક સેકન્ડ બાદ પોલીસની ટીમ આવી પહોંચી અને પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમત દાખવી અને રેલિંગ પર ચડીને મહિલાનો જીવ બચાવ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 56 વર્ષીય મહિલા રીમા મુકેશ પટેલ મુંબઈના મુલુંડની રહેવાસી છે. રીમાએ કેબ બુક કરાવી હતી અને અટલ સેતુ પુલની વચ્ચે પહોંચીને ડ્રાઈવરને કાર રોકવા કહ્યું. કારમાંથી નીચે ઉતર્યા બાદ રીમા પુલની રેલિંગ પર ચઢી. અટલ સેતુ પર વિવિધ સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આથી કંટ્રોલ રૂમનું ધ્યાન મહિલા પર પડ્યું.
આ પછી કંટ્રોલ રૂમમાં હાજર પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ટીમને જાણ કરી હતી. માહિતી મળતાં જ ચાર પોલીસકર્મી લલિત શિરશત, કિરણ માત્રે, યશ સોનાવણે અને મયુર પાટીલ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચવાના જ હતા કે મહિલાએ દરિયામાં છલાંગ લગાવી, પરંતુ કેબ ડ્રાઈવરે ઝડપથી મહિલાને એક હાથે પકડી લીધી.
આ પછી પોલીસની ટીમ થોડી જ સેકન્ડોમાં પહોંચી ગઈ અને ચારેય પોલીસકર્મીઓ પુલની રેલિંગ પર ચઢી ગયા અને કેબ ડ્રાઈવરની મદદથી મહિલાને બચાવી લીધી. સ્ત્રી ગૃહિણી છે. તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.