કટિંગ થાય તે પહેલાં જ દારૂની ૯૦૩ બોટલ પકડાઈ
જામનગર રોડ પર એલસીબી ઝોન-૨નો દરોડો: બે ખેપીયા પકડાયા, સપ્લાયર ફરાર
દિવાળી બાદ હવે લગ્નગાળાની સીઝન શરૂ થતાં પ્રસંગમાં છાંટોપાણી કરવાનો ટે્રન્ડ વધી ગયો હોવાથી પ્યાસીઓની માંગને પહોંચી વળવા બૂટલેગરો મોટાપાયે દારૂ મંગાવી રહ્યા છે. જો કે દારૂની બદી ઉપર પોલીસ એક બાદ એક દરોડા પાડી રહી હોય વેચાઈ ઓછો પકડાઈ વધુ રહ્યો છે. આવો જ દારૂનો એક મોટો જથ્થો અલગ-અલગ વિસ્તારમાં સપ્લાય થાય તે પહેલાં જ ઝોન-૨ એલસીબીએ ત્રાટકીને ૯૦૩ બોટલ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે જામનગર રોડ પર ગાંધી સોસાયટી સામે એચ.પી.પેટ્રોલપંપવાળી શેરીમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક કટિંગ કરવા આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડીને કિશન નરેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૨૮, રહે.ગાંધીગ્રામ શેરી નં.૧૨) અને જય મુકેશભાઈ વાઢેર (ઉ.વ.૨૬, રહે.૧૫૦ ફૂટ રિંગરોડ, મોદી સ્કૂલ સામે)ને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૦૩ બોટલ, અશોક લેલન્ડ ટ્રક સહિત ૯.૫૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
જ્યારે દારૂ ભરેલા ટ્રકનું પાયલોટિંગ કરનાર અને મુખ્ય સપ્લાયર હાર્દિક ઉર્ફે હરી નીતિનભાઈ ડોડિયા ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.