તાલાલાના ભોજદે ગામે ધ ગીર વ્યુ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતાં ૮ પકડાયા
રાજકોટથી આવેલા શખ્સોને રિસોર્ટના સંચાલકે જ કરી આપી’તી વ્યવસ્થા
રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ બહાર મતલબ કે રાજકોટથી બહાર થઈને છાંટોપાણી કરવાનો ટે્રન્ડ વધ્યો છે. ઠંડી પડી રહી હોય લોકો તાલાલા-ગીર જવાનું વધુ પસંદ કરે છે પરંતુ અહીં ફરવાની સાથે દારૂ પીવાનો પણ આગ્રહ રાખતાં હોય પોલીસ દ્વારા રંગમાં ભંગ પાડવામાં આવી રહ્યો છે. આવો જ એક દરોડો તાલાલાના ભોજદે ગામે આવેલા ધ ગીર વ્યુ રિસોર્ટમાં પડ્યો હતો જ્યાં દારૂની મહેફિલ માણી રહેલા રાજકોટના સાત સહિત આઠ લોકોને પોલીસે પકડ્યા હતા.
તાલાલા પોલીસે ઉપરોક્ત ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માંડીને બેઠેલા રાજેશ હિંમતલાલ આડેસરા (ઉ.વ.૪૨, રહે.સખીયાનગર, જૈન ઉપાશ્રયવાળી શેરી, ગીતગુર્જરી મેઈન રોડ), દિનેશ લક્ષ્મીચંદ ફીચડીયા (ઉ.વ.૫૧, રહે.રૈયા રોડ, જીવનનગર શેરી નં.૮), રાજ અતુલભાઈ દંગી (ઉ.વ.૨૧, રહે.ભક્તિનગર સોસાયટી), પ્રિન્સ જીતેન્દ્રભાઈ રામપરીયા (ઉ.વ.૨૧, રહે.કોઠારિયા મેઈન રોડ, પટેલ બેકરીવાળી શેરી), પરેશ મનસુખલાલ લાઠીગયા (ઉ.વ.૫૨, રહે.લક્ષ્મીવાડી ૭/૧૩), મહમદહાજી નુરઈસ્લામ શેખ (ઉ.વ.૩૦, રહે.રાજકોટ) અને રિસોર્ટ-ફાર્મ હાઉસ સંચાલક પરબત દેવશીભાઈ વાળાને પકડી પાડ્યા હતા. પ્યાસીઓને સઘળી વ્યવસ્થા પરબતે જ કરી આપી હોવાનું ખુલ્યું હતું. આ મહેફિલ રિસોર્ટના રૂમ નં.૧૧૧૧૧૧માં ચાલી રહી હતી ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો.