મહારાષ્ટ્ર-આંધ્રની ૬ પેઢીએ રાજકોટના વેપારીને ચોપડ્યો ૭.૮૩ કરોડનો ચૂનો
દોરા બનાવવાનું કામ કરતા પટેલ વેપારી પાસેથી ત્રણ વર્ષ દરમિયાન માલ ખરીદી હાથ ઉંચા કરી દીધા: ગોડાઉનનું ભાડું-ઈલેક્ટ્રિક બિલના પૈસા પણ ખાઈ ગયા
રાજકોટના અલગ-અલગ ધંધાર્થીઓ દ્વારા હવે સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં બલ્કે આખા ભારતમાં પોતાના ઉત્પાદનનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાથી છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અન્ય રાજ્યના ધંધાર્થીઓ દ્વારા રાજકોટના વેપારીઓને `શિકાર’ બનાવી કરોડો રૂપિયા હજમ કરી ગયાના કિસ્સા બન્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની ૬ પેઢીએ રાજકોટના પટેલ વેપારીને ૭.૮૩ કરોડનો ચૂનો ચોપડતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યુમાં રહેતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા (ઉ.વ.૪૮)એ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે ૧-૭-૨૦૨૧થી ૧૮-૯-૨૦૨૪ સુધી ત્રણ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના સાવરગાવની માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી મર્યાદિત માલાપુર પેઢીના ચેરમેન બન્દુ દાગર્ડ, આંધ્રપ્રદેશના ગંતુર તાલુકાના પીડુગુરાલા સાગર કોટ સ્પીન, મહારાષ્ટ્રના નાસિકના એકતા શેઠ, હમઝા તેમજ આસીફ, નાસીકના ભરત માલિક, મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લાના ખામગાંવના જયશ્રી બાલાજી સ્પીનિંગ મીલ તેમજ નાગપુરના કમલેશ્વરના દીક્ષા ટેક્સટાઈલ્સ નામની પેઢીના માલિકો સાથે કોટન ઉપરાંત દોરા સહિતનો વેપાર કર્યો હતો.
અશોકભાઈ દુધાગરા રાજકોટમાં એપેક્સ કોર્પોરેશન નામની પેઢી ધરાવે છે તે તેના મારફતે જ આરોપીઓની પેઢીઓ સાથે ખરીદ, વેચાણ તેમજ વેરહાઉસ ભાડેથી રાખી ધંધો કર્યો હતો. આ પેટે તેમણે ઉપરોક્ત પેઢીઓને ૭,૮૩,૪૫,૦૭૩ રૂપિયાનો માલ પણ મોકલ્યો હતો પરંતુ જ્યારે ઉઘરાણીની વાત આવી ત્યારે તમામે હાથ ઉંચા કરી દીધા હતા. આ માટે તેમણે આરોપીઓ પાસે ઉઘરાણી પણ કરી હતી પરંતુ ત્યાંથી કોઈ જ પ્રકારનું ચૂકવણું કરવામાં આવી રહ્યું ન હોવાથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખાના પીએસઆઈ સી.બી.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.