સાયબર ફ્રોડનો ભોગ બનેલા રાજકોટના ૨૦૦૦ ખાતા થશે ‘અનફ્રિઝ’
ફ્રોડની રકમ એકાઉન્ટમાં જમા થવાને કારણે એક ઝાટકે આખું એકાઉન્ટ બ્લોક થઈ જતાં લોકો મુકાઈ રહ્યા'તા મુશ્કેલીમાં
હવેથી ફ્રોડની રકમ જ ફ્રિઝ કરાશે, બાકીની રકમનો ઉપયોગ કરવા દેવાશે: ડીજીપીના આદેશ બાદ રાજ્યની સાયબર ક્રાઈમ પોલીસ થઈ
એક્ટિવ’ રાજ્યના ૨૮,૦૦૦ ખાતાને ટૂંક સમયમાં `અનબ્લોક’ કરાશે
રાજકોટ સહિત આખા દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ સાયબર માફિયાઓ લોકોને છેતરવા માટે એક પછી એક હથકંડા અપનાવી રહ્યા હોય પોલીસ માટે પણ પડકાર બની રહ્યો છે. દરમિયાન છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ મતલબ કે બ્લોક કરી દેવામાં આવતાં હોવાને કારણે પોતાની હોવા છતાં લોકો એકાઉન્ટમાં પડેલી રકમનો ઉપયોગ કરી શકતા ન્હોતા. વળી, આ એકાઉન્ટ અનફ્રિઝ કરાવવા માટે પોલીસ સ્ટેશન તેમજ કોર્ટના પગથીયા ઘસવા પડી રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા દ્વારા આ દિશામાં મહત્ત્વનો નિર્ણય લઈ રાજકોટના ૨૦૦૦ સહિત રાજ્યના ૨૮,૦૦૦ બેન્ક એકાઉન્ટને ઝડપથી અનફ્રિઝ કરવાનો હુકમ કરવામાં આવતાં પોલીસ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે કોઈ વ્યક્તિના બેન્ક ખાતામાં સાયબર માફિયા દ્વારા રકમ જમા કરાવવામાં આવે એટલે તુરંત જ તે ખાતું ફ્રિઝ કરી દેવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં છેતરપિંડીથી મેળવાયેલી એક હજાર રૂપિયાની રકમ જમા કરી દેવામાં આવે અને છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે એટલે પોલીસ દ્વારા બેન્કનો સંપર્ક કરીને એ ખાતું ફ્રિઝ કરી દેવામાં આવતું હતું. આમ થવાથી જે વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ફ્રિઝ થયું છે તેના ખાતામાં પાંચ લાખ રૂપિયાની રકમ જે તેની પોતાની છે તેનો ઉપયોગ પણ કરી શકાતો ન્હોતો.
આ પ્રકારે રાજકોટના ૨૦૦૦ જેટલા અને રાજ્યના ૨૮,૦૦૦ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા જેની તપાસ કરીને તુરંત જ ખોલી નાખવા માટે ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હવે આ ખાતામાં ફ્રોડની જેટલી રકમ હશે તે જ રકમ ફ્રિઝ કરાશે બાકીની તમામ રકમ કે જે બેન્ક ખાતાધારકની છે તેનો વપરાશ તે કરી શકશે. આ ઉપરાંત એકાઉન્ટ ભૂલથી ફ્રિઝ કરવામાં આવ્યા છે તેમણે સાયબર ક્રાઈમમાં તેમની કોઈ જ સંડોવણી નથી તેવા પૂરાવા આપવાના રહેશે. આ પછી એ કેસના આધારે એકાઉન્ટની સમીક્ષા કરીને ખાતું અનબ્લોક કરવામાં આવશે.
સાયબર રિફંડ યુનિટની રચના
લોકોને ઝડપથી પોતાની ગુમાવી રકમ મળી રહે તે માટે સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા સાયબર રિફંડ યુનિટની રચના કરવામાં આવી છે જેની બાગડોર પીઆઈ કક્ષાના અધિકારીના હાથમાં રહેશે. આ ઉપરાંત યુનિટમાં દરેક પોલીસ મથકમાંથી બે લોકોને લેવામાં આવ્યા છે જેમાં કોર્ટ સાથે સંકલન કરીને લોકોને બને એટલી ઝડપથી પૈસા પરત અપાવવા માટે પ્રયત્નશીલ રહેશે.