દિવની હોટેલમાં શરાબ-શબાબની મોજ માણતાં રાજકોટના ૨ સહિત ૨૦ પકડાયા
કારવા મસ્જિદ પાસે આવેલી હોટેલ તુલીપ'માં ડી.જે.ના તાલે ૮ મહિલાઓ અને ૧ કિન્નર ટૂંકા વસ્ત્રોમાં કરી રહ્યા'તા ડાન્સ
૧૧ શખ્સો પ્લાસ્ટિકના કોઈન ઉડાડી ડાન્સ બારનો ઉઠાવી રહ્યા'તા લુત્ફ: ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને પાડ્યો રંગમાં ભંગ
દારૂ-બીયરના સેવન માટે આખા ગુજરાતમાં જાણીતા બની ગયેલા દિવમાં હવે મુંબઈ સહિતના શહેરોની માફક ડાન્સબારનું ચલણ પણ શરૂ થઈ જતાં પોલીસે તેની સામે લાલ આંખ કરી છે. દિવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટેલ
તુલીપ’માં આ જ પ્રકારે શરાબ-શબાબની મોજ ચાલી રહ્યાની બાતમી મળતાં દિવ-ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને રાજકોટના બે શખ્સો સહિત ૧૧ પુરુષો તેમજ ડાન્સ કરી રહેલી ૮ મહિલા અને એક કિન્નરની ધરપકડ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ `તુલીપ’ હોટેલમાં મધરાત્રે ડી.જે.ના તાલે ફિલ્મી ગીતો વાગી રહ્યાની ફરિયાદ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. દરોડો પડતાં જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને નાસભાગ શરૂ થઈ જવા પામી હતી. જો કે પોલીસે એક પણ વ્યક્તિને બહાર છટકવા દીધી ન્હોતી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે આઠ મહિલા અને એક કિન્નર ટૂંકા વસ્ત્રોમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા જ્યારે ૧૧ શખ્સો આ મહિલા તેમજ કિન્નર ઉપર પ્લાસ્ટિકના કોઈન ઉડાવી ડાન્સબારનો લુત્ફ ઉઠાવી રહેલા જોવા મળ્યા હતા.
આ પછી પોલીસે તાત્કાલિક મ્યુઝિક બંધ કરાવ્યું હતું અને દરોડાની કાર્યવાહી આગળ ધપાવતાં દારૂ-બીયરનો જથ્થો કબજે કરી લીધો હતો. આ ઉપરાંત હોટેલમાંથી ૧૦, ૨૦, ૫૦૦ના કોઈન, લેપટોપ, સ્પીનર સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
સ્થળ ઉપરથી પોલીસે રાજકોટના બેડીપરામાં રહેતા મનોજ શામજીભાઈ કાપડિયા (ઉ.વ.૪૪), ઈરાફ હનીફભાઈ શેખ (ઉ.વ.૪૧, રહે.રૈયાધાર, રામદેવપીર ચોક, શાંતિનગર ગેઈટ), દિવના સિકંદર સલીમભાઈ કુરેશી, મુકેશ અમરસીંગ સોલંકી, કિરન લીંબાભાઈ રાઠોડ (રહે.મહુવા-ભાવનગર), અરુણ રેવાશંકર જોશી (રહે.મહુવા-ભાવનગર), રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગંજારા-ભાવનગર), અકીલ અનિસહસન નકવી (રહે.મહુવા-ભાવનગર), ભાવેશ અકાભાઈ પરમાર (રહે.મહુવા-ભાવનગર), હિંમત ચકોરભાઈ મકવાણા (રહે.મહુવા-ભાવનગર) અને હિતેશ વલ્લભભાઈ આહિર (રહે.ઓખા-મહુવા-ભાવનગર)ની ધરપકડ કરી હતી.
આ પાર્ટીનું આયોજન દિવના સીકંદર કુરેશી અને મુકેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
ડાન્સબારમાં સામેલ અનેક લોકો પહોંચેલી વ્યક્તિ હોવાની ચર્ચા
દિવની હોટેલ તુલીપમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ૨૦ લોકોની ધરપકડ કરી છે ત્યારે આ કુપ્રવૃત્તિમાં સામેલ અનેક લોકો પહોંચેલી વ્યક્તિ હોવાની ચર્ચાએ પણ જોર પકડી લીધું છે. વહેતી થયેલી અટકળો પ્રમાણે ડાન્સબારમાં મહુવાના પૂર્વ ધારાસભ્યનો સાળો, જેસરનો સરપંચ, પીજીવીસીએલનો કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટર પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે. જો કે પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ પ્રકારની જાહેરાત કરાઈ નથી.