શાપર-વેરાવળની પાંચ ફેક્ટરીમાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી: રૂ.1.80 લાખની ચોરી
ચોરી કરનાર ચડ્ડી બનીયનધારી ટોળકી સીસીટીવીમાં કેદ થતાં શોધખોળ
શાપર-વેરાવળમાં વધુ એક વખત ચડ્ડી બનીયનધારી ટોળકી ત્રાટકી હતી અને પાંચ કારખાનાને નિશાન બનાવી ચડ્ડી બનીયનધારી ગેંગના ચાર શખ્સો રાજકોટ રહેતા કારખાનેદારના કારખાના માંથી રૂ.1.80 લાખની રોકડની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચડ્ડી બનીયનધારી ટોળકી સીસીટીવી કેદ થઈ હતી જેના આધારે ચડ્ડી બનીયનધારી ટોળકીની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટીમાં રહેતાં અને શાપરમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં સર્વે નં. 36/1, પ્લોટ નં. 53 માં આશી એન્જીનીયરીંગ વર્કસ નામનું કારખાનુ ચલાવતા ફાયર સેફ્ટીના વાલ્વ બનાવતા સજી પરવારકાથ મેથ્યુએ આ બનાવની શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગઇ તા.27/02 ના તેઓ સાંજના કારખાનેથી ઘરે આવ્યાં હતા ત્યારે કારખાનામાં ઓફીસના લોકરમાં રૂ.1.80 લાખ રોકડા રાખેલ હતા. સવારે કારખાનામાં કામ કરનાર મજૂરે ચોરીની જાણ કરી હતી.સીસીટીવી ચેક કરતાં
ચડ્ડી બનીયનધારી ટોળકી ત્રાટકી હોવાનું માલૂમ પડ્યું હતું. આસપાસના કારખાનામાં પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું જેમાં દુધેશ્વર એન્જીનીયરીંગ, જય કેમ.નામની ફેક્ટરી અને સ્ટીલટેક ઇન્ડસ્ટ્રીઝ તેમજ ગોકુલ ફ્રીઝમાં પણ ચોરીનો થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ચડ્ડી બનીયનધારી ગેંગની શોધખોળ હાથ ધરી હતી.