શેરબજારમાં ફરી તેજી : સેન્સેક્સ પહેલી વખત ૮૦,૫૦૦ની ઐતિહાસિક સપાટીએ
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની હેઠળ સેન્સેક્સે આજે નવી ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરી હતી. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વખત ૮૦,૫૦૦ પોઇન્ટની અને નિફ્ટીએ ૨૪,૫૦૦ની સપાટી વટાવી છે. કલોઝિંગમાં સેન્સેક્સ ૮૦, ૫૧૯ ઉપર નિફ્ટી ૨૪,૫૦૨ ઉપર હતો. આજે સેન્સેક્સ ઇન્ટ્રાડે ૧૦૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો.
આઇટી સેગમેન્ટની ટોચની કંપની ટાટા કનસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ની આગેવાનીએ આઇટી શેરોમાં આવેલા ઉછાળા સાથે બંને બેન્ચમાર્કે નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.
ટીસીએસે જૂન ક્વાર્ટર માટે બજારની અપેક્ષા કરતા સારા નાણાકીય પરિણામ જાહેર કર્યા હોવા ઉપરાંત સારું ગાઇડન્સ જાહેર કર્યું હોવાને પગલે આઇટી શેરોમાં લેવાલીનો સળવળાટ વધ્યો હતો. રિઅલ્ટી શેરોમાં જોકે વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું હતું.