મર્યા પછી પણ શાંતિ નહીં! સપ્ટેમ્બર બાદના મરણ દાખલા ઈ-મેઈલથી મળશે
જન્મ અને મરણનો દાખલો એક મહત્ત્વનો પૂરાવો ગણાતો હોય આ દાખલો મેળવવાનું અરજદારો લગભગ જ ચૂકતા હોય છે. રાજકોટ મહાપાલિકા કચેરીમાં આવેલા સિવિક સેન્ટરમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો જન્મ-મરણનો દાખલો કઢાવવા માટે આવી રહ્યા છે પરંતુ 1 સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા જન્મ-મરણની તમામ વિગતો સીઆરએસ પોર્ટલ પર અપલોડ કરવાનું ફરજિયાત કરાયા બાદ તેના આધારે જ સર્ટિફિકેટ ઈશ્યુ કરવાનો નિયમ બન્યો હોય બે મહિના પૂર્ણ થયા છતાં હજુ સુધી આ પોર્ટલ વ્યવસ્થિત કામ ન કરતા હવે સપ્ટેમ્બર બાદ મૃત્યુ પામેલા લોકોના મરણના દાખલા ઈ-મેઈલથી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જન્મ-મરણ વિભાગમાં મહાપાલિકા દ્વારા તૈયાર કરાયેલા પોર્ટલ ઉપર તમામ પ્રકારની કામગીરી થતી હતી પરંતુ ત્યારપછી રાજ્ય સરકાર દ્વારા નવું પોર્ટલ તૈયાર કરાયું હતું. આ પોર્ટલ ઉપર કાર્યવાહી શરૂ કરાતા મહાપાલિકાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવતા કામગીરી સરળતાથી ચાલી રહી હતી. બરાબર ત્યારે જ કેન્દ્ર સરકાર દ્વારા સીઆરએસ પોર્ટલ પર કામગીરી કરવાના આદેશ આપતા ફરી નવું પોર્ટલ શરૂ કરવું પડ્યું હતું પરંતુ 2020 પહેલાંનો ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ થઈ રહ્યો ન હોય અરજદારોને મરણના દાખલા માટે ધક્કા ખાવા પડતા હતા.
આ પણ વાંચો : રાજકોટના પૂર્વ મેયરના વોર્ડમાં ગાબડુંઃ કોર્પોરેટરના પતિ ‘આપ’ના થયા! ભાજપ છાવણી ચિંતામાં
આ અંગે સરકારમાં રજૂઆત કરાતા જૂનું પોર્ટલ શરૂ કરવાનો હુકમ કરાતા હવે મહાપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર બે-બે દિવસ કામગીરી થઈ શકે તે પ્રકારે તૈયારી કરાઈ હતી છતાં સપ્ટેમ્બર મહિના પછીના તમામ ડેટા પોર્ટલ ઉપર અપલોડ ન થઈ રહ્યા હોવાથી દાખલા નીકળી શકતા ન્હોતા. આ જ કારણથી હવે મૃતકના પરિવારજન પાસેથી સત્તાવાર ઈ-મેઈલ આઈડી લઈને તેના ઉપર દાખલો મોકલવામાં આવ્યા બાદ અરજદારે પોતાના ખર્ચે તે દાખલાની કલર ઝેરોક્ષ કરાવવી પડી રહી છે.
