ગુજરાતમાં માવઠાથી 10 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાન : સોયાબીન, કપાસ, મગફળી, મગ અને શેરડી જેવા પાકોને ગંભીર અસર
રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી છે કે, તાજેતરમાં પડેલા માવઠાથી જે જે ખેડૂતોને નુકસાન થયું છે તે વિસ્તારમાં સરકાર દ્વારા તાકીદે એક સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કેબીનેટની બેઠકમાં માવઠાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિની ચર્ચા થઇ હતી સાથોસાથ આગામી તા. 31મીએ કેવડીયા કોલોનીની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાનના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કેબીનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હું ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે સરકાર ખેડૂતોની સાથે છે. દરેક વિસ્તારમાં સમાન રીતે સર્વે થશે અને યોગ્ય વળતર આપવામાં આવશે.
રાજ્યના 33 જિલ્લાઓ અને 239 તાલુકાઓમાંથી મળેલા અહેવાલ મુજબ છેલ્લા છ દિવસ દરમિયાન કમોસમી વરસાદથી વ્યાપક અસર થઈ છે. તમામ સ્થળે સાત દિવસમાં સર્વે કરવા માટે આદેશ અપાયા છે. સર્વે ઓનલાઇન અને ફિઝિકલ બન્ને રીતે હાથ ધરાશે એમ પણ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ.
તેમણે કહ્યું કે, પ્રાથમિક અંદાજ મુજબ 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારના પાકો અસરગ્રસ્ત થયા છે. સોયાબીન, કપાસ, મગફળી, મગ અને શેરડી જેવા પાકોને ગંભીર અસર પહોંચી છે.
વાઘાણીએ વધુમાં જણાવ્યું કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને વલસાડના કેટલાક ભાગોમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો સમગ્ર રાજ્યમાં છે. અમારે માત્ર પસંદગીના નહીં પરંતુ બધા જિલ્લાઓમાં સર્વે કરવાના છે.
તેમણે ઉમેર્યું કે અગાઉ પણ જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે નિયમ મુજબ 33 ટકાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વખતે પણ જો કેન્દ્રના ધોરણ મુજબ વળતર મળે તો રાજ્ય સરકાર વધારાનો ‘ટોપ-અપ’ આપવાની તૈયારીમાં છે એમ વાઘાણીએ જણાવ્યું હતું.
કેબિનેટ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીની કેવડિયા મુલાકાતની પણ વિગતવાર ચર્ચા થઇ હતી. નરેન્દ્ર મોદી સાંજે 5:30 કલાકે કેવડિયા પહોંચશે. તેમના હસ્તે 1,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. ઇ-બસોને લીલી ઝંડી આપશે તેમજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ (સ્ટેમ્પ) પણ બહાર પાડશે.
