CA,વેપારી,બિઝનેસમેનની ભક્તિભરી સેવા: રાજકોટમાં 4 વર્ષથી મહોત્સવમાં બનાવે છે ‘જલારામ બાપાની ઝુંપડી’
આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજકોટ સહિતના શહેરોમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પૂજ્ય જલારામ બાપાની સુંદર, કલાત્મક અને મનોરમ્ય ઝુંપડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભક્તિ અને કળાનો આ સંગમ માત્ર એક કાર્યક્રમ નહીં, પણ સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે.
રાજકોટમાં છેલ્લા ચાર વર્ષથી “જલારામ ઝુંપડી યુવા ગ્રુપ” નામના યુવાનો આ ઝુંપડી બનાવવાની સેવા નિ:સ્વાર્થપણે આપી રહ્યો છે. આ ગ્રુપમાં આશરે 30 જેટલા યુવા અને યુવતીઓ જોડાયેલા છે, જેમાં કોઈ સી.એ., વેપારી, બિઝનેસમેન તો કોઈ વિદ્યાર્થી તરીકે પોતપોતાની ફરજો વચ્ચે સમય કાઢીને ભક્તિની સેવા આપે છે.

ગ્રુપના સભ્ય રાજ ભૂપતાણી જણાવે છે કે, અમને છેલ્લા 4 વર્ષથી ઝુંપડી બનાવવાની સેવા કરવાનો મોકો મળ્યો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી 12થી વધુ આયોજનોમાં પૂજ્ય જલાબાપ્પાની ઝુંપડી બનાવી છે. દરેક જગ્યાએ અલગ થીમ અને આર્ટ સાથે ઝુંપડી તૈયાર કરવામાં આવે છે. અમે કોઈથી પણ કોઈ પ્રકારની ફી લેતા નથી. આ સેવા માત્ર ભક્તિભાવથી પ્રેરિત છે.

આ ઝુંપડી બનાવવાનું કામ લગભગ 4 દિવસ ચાલે છે, જેમાં દિવા, કલર પેઇન્ટ, હેન્ડવર્ક, ઇલેક્ટ્રિક ડેકોરેશન સહિત દરેક વસ્તુ ગ્રુપના યુવાનો પોતાના હાથે તૈયાર કરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ઝુંપડીની જાળી પણ હાથથી જ બનાવવામાં આવે છે, જે તેની સુંદરતાને વધુ ભવ્ય બનાવે છે.ઝુંપડીની સાઇઝ સામાન્ય રીતે 10 ફૂટ પહોળાઈ અને 7 ફૂટ ઉંચાઈની હોય છે, જે વીરપુરનાં જલારામ મંદિરની ઝુંપડી જેવી જ અદલોબદલ દેખાય છે. શહેરનાં સમસ્ત લોહાણા મહાજન આયોજિત જલારામ જયંતી મહોત્સવ, પંચશીલ સોસાયટી, સુવર્ણભુમી, પેન્ટાગોન, વન વર્લ્ડ, સોપાન હાઇટ્સ સહિત અનેક સોસાયટીઓમાં આ ગ્રુપના યુવાનો પોતાની સેવા પૂરી પાડી રહ્યા છે.
