FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
ગુજરાતના નાગરિકોને હવે ટુંક સમયમાં પોતે કરેલી ફરિયાદ ક્યાં પહોંચી અથવા કેટલી પ્રગતિ થઇ તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે કારણ કે સરકાર આઈ-પ્રગતિ ( ઈન્ટેલીજન્ટ -પ્રોગ્રેસ રીપોર્ટીંગ એન્ડ ગ્રીવન્સીસ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઈનીશીએટીવ) હેઠળ દરેકને એસ.એમ.એસ. મારફત ફરિયાદની સ્થિતિ અંગે જાણકારી આપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નવી સીસ્ટમ ખુલ્લી મુકેલી છે.
આ સીસ્ટમ હેઠળ હવેથી દરેક નાગરિકને તેમણે કરેલી ફરિયાદ ક્યા સ્ટેજ ઉપર છે, ધરપકડ થઈ કે નહીં, આરોપીને જામીન મળ્યા કે નહી સહિતની વિગતો એસ.એમ.એસ.થી આપશે. ફરિયાદીને પંચનામા, રીકવરી અને ચાર્જશીટ સહિતની માહિતી પણ આપવામાં આવશે. આમ તો આ સીસ્ટમ જ્યારથી લોન્ચ થઈ છે ત્યારથી ફરિયાદીને તેના કેસ અંગેની પ્રગતિની માહિતી આપવામાં આવી જ રહી છે પરંતુ હવે વધુ ઝડપથી અને વધુ માહિતી આપવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સીસ્ટમથી પોલીસ કર્મચારીઓનો સમય પણ બચી રહ્યો છે અને તે તપાસ ઉપર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ પ્લેટફોર્મ ઉપર કેસની ઝીણામાં ઝીણી વિગતો પણ ઉપલબ્ધ રહેતી હોવાથી કોઈ પણ સિનીયર અધિકારી પણ તેનું મોનીટરીંગ કરી શકે છે.
