ફટાકડાના વેચાણ માટે RMCના એક પ્લોટના 1 હજાર સામે 30500 ઉપજ્યા! સ્ટોલની હરાજીમાં 44.32 લાખની વિક્રમી આવક
રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ફટાકડાના વેચાણ માટે દસ દિવસ સુધી પોતાના હસ્તકના પ્લોટમાં 15 બાય 30ના સ્ટોલ બનાવી ભાડે આપવા હરાજી કરવામાં આવી હતી જે અંતર્ગત એક પ્લોટના એક હજાર સામે 30500 રૂપિયા ઉપજતાં તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ જવા પામ્યું હતું. ખાસ વાત એ છે કે ગત વર્ષે મહાપાલિકાએ આઠ પ્લોટમાં 34 સ્ટોલ બનાવી તે પૈકી 21 પ્લોટને ભાડે આપ્યા બાદ કમાણી માત્ર 5.62 લાખ જ થઈ હતી જેની સામે આ વર્ષે સાત પ્લોટમાં 28 પ્લોટ ભાડે આપી 44.32 લાખની માતબર આવક થવા પામી હોવાનું એસ્ટેટ વિભાગના મેનેજર મેહુલ ગાંધીએ જણાવ્યું હતું.
જે પ્લોટના એક હજાર સામે 30500 ઉપજ્યા તે સ્ટોલ સુવર્ણ ભૂમિ પાસેના ગ્રાઉન્ડમાં આવેલો છે. અહીં મહાપાલિકા દ્વારા કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા એક હજાર સામે 7200 રૂપિયા રાજનગર મેઈન રોડ પર ધરતી હોન્ડાના શો-રૂમ સામેના ગ્રાઉન્ડના આવ્યા છે જ્યાં એક જ સ્ટોલ છે. ઉપરોક્ત ભાડું એક દિવસનું છે જ્યારે તંત્ર દ્વારા આ તમામ સ્ટોલ દસ દિવસ માટે ભાડે આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :રાજકોટમાં વધુ એક મહિલા પોલીસ કર્મચારીનો આપઘાત! પતિ-પત્ની વચ્ચેની બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી: સારવારમાં મોત
જ્યારે અન્ય સ્ટોલની વાત કરવામાં આવે તો પૂ.પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસેના ગ્રાઉન્ડમાં ચાર સ્ટોલ, નાનામવા સર્કલ પાસે ચાર સ્ટોલ, અમીન માર્ગ કોર્નર પાસે આવેલા પ્લોટમાં પાંચ સ્ટોલ, રાજપેલેસ સામેના ગ્રાઉન્ડમાં આઠ સ્ટોલ, સુવર્ણ ભૂમિ પાસેના ગ્રાઉન્ડમાં પાંચ સ્ટોલ, સાધુ વાસવાણી માર્કેટ સામેના પ્લોટમાં એક સ્ટોલ, રાજનગર મેઈન રોડ પર ધરતી હોન્ડાના શો-રૂમ સામેના ગ્રાઉન્ડમાં એક સ્ટોલની હરાજી કરવામાં આવી હતી. એકંદરે 82 ધંધાર્થીઓને 28 સ્ટોલ ભાડે આપવામાં આવ્યા છે જેની આવક 44.32 લાખ રૂપિયા થશે. આ સ્ટોલની સાઈઝ 15 બાય 30 છે અને તેને તા.11થી 20 ઑક્ટોબર દરમિયાન ભાડે અપાશે.
