આજે શરદ પૂર્ણિમા : શું તમે જાણો છો શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે?
આસો માસની પૂર્ણિમાને શરદ પૂનમ કે શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ પછી દશેરા આવે છે અને ત્યારબાદ જે પૂનમ આવે છે એને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચાંદલિયો આકાશમાં પૂર્ણ અને સોળે કળાએ ખીલીને શીતળ ચાંદની ફેલાવે છે. શરદ પુનમની રાતને રઢિયાળી રાત કહેવામાં આવે છે. આ રાતનો નજારો ખરેખર માણવા લાયક હોય છે. શરદ પૂર્ણિમા આવ્યા પછી વાતાવરણમાં ધીરેધીરે ઠંડક પ્રસરાવા લાગે છે તેથી મોડી રાતે રજાઈ ઓઢવાની ફરજ પડે છે અને શરદ ઋતુનો પ્રારંભથાય છે. ગુજરાતી પંચાગ પ્રમાણે બાર મહિનામાં જેટલી પણ પૂનમો આવતી હોય એનાં કરતાં શરદ પૂર્ણિમાનું વજૂદ અને મહત્વ અલાયદું છે. શરદ પૂર્ણિમાને મોટી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા સોળે કલાએ ખીલી
શરદ પૂર્ણિમાના દિવસે કલાધર ચંદ્રમા એની સંપૂર્ણ શશીકલાઓ પ્રસરી સોળે કલાએ ખીલી અને દીપી ઉઠે છે. નિરભ્ર આસમાનમાં ચંદ્ર એવો જાજરમાન લાગે છે કે તે ચાંદનીની બારાતમાં જઈ રહ્યો હોય એવો ભાસ લાગે છે. આજના દિવસે ચંદ્રમા સોળે કળાએ ખીલીને શીતળ ચાંદની ફેલાવે છે.
શરદપૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે રાધાજી તથા ગોપીઓ સમેત જમુનાના તટ ઉપર સૂરીલી મધુરી મોરલીના સથવારે આખી રાત રાસલીલા રચાવી હતી. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખવામાંઆવે છે. આપણાં કવિ/લેખકોએ પણ પોતાની રચનાઓમાં શરદપૂનમનો ઉલ્લેખ કરેલ છે.
શરદ પૂર્ણિમા 2025 તિથિ
શરદ પૂર્ણિમાનો પૂર્ણિમાની તિથિ 6 ઓક્ટોબર, એટલે કે આજે બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શરદ પૂર્ણિમા આજે, એટલે કે 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી રહી છે.
શરદ પૂર્ણિમા પર ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાનો શુભ સમય
પંચાંગ મુજબ, ખીર રાખવાનો શુભ સમય 6 ઓક્ટોબર, એટલે કે આજે રાત્રે 10:37 વાગ્યે શરૂ થશે અને 12:09 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે સૌથી શુભ અને લાભદાયી સમય માનવામાં આવે છે.
આ પણ વાંચો :ક્રિકેટમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ યથાવત : પુરુષ બાદ મહિલા ટીમનો પણ પાકિસ્તાનને તમાચો, વન-ડે વર્લ્ડકપમાં 88 રને શાનદાર જીત
આસો માસો શરદ પુનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે, સખી મારા ચોકમાં રે.’ ‘શરદ પૂનમની રાતડી હો હો ચાંદની ખીલી છે ભલી ભાતની’. ‘શરદ પૂનમની રાતમાં એક વાર તમને જોયાં હતાં, તમને જોઈને અમે સુખ ચૈન ખોયાં હતાં’. ‘હો પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિયતમ સાથે છે મુલાકાત, આજે તું ના જાતી’. ‘સાંભળ સહિયર વાતડી ને નૌતમ આસો માસ, શરદ પૂનમની રાતડી ને ચંદ્ર ચઢ્યો આકાશ’. ‘તમ વિરહમાં વેરણ થઈ ગઈ શરદ પૂનમની રાતડી રે’.
શરદપૂર્ણિમાને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખાઈ
શરદપૂર્ણિમાને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી લોકવાયકા છે કે સાગરમાં ખુલ્લું થઈને પડેલું છીપલું, વરસાદનું ટીપું ગ્રહણ કરીને શરદ પૂનમના દિવસે સાચાં મોતીમાં પરિવર્તિત થાય છે. કહેવાય છે કે માત્ર માનસરોવરમાં વસેલાં હંસ જ સાચાં મોતી ખાય છે.
આ પણ વાંચો :Health Tips: શું દરેક વ્યક્તિએ 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે? જાણો શું છે સ્લીપ સાયકલનું વિજ્ઞાન
શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ
શરદ પૂર્ણિમાનો સમય એ વર્ષનો તબક્કો છે જ્યારે હવામાન બદલાય છે. ઉનાળા પછી આ પ્રથમ પૂર્ણિમા છે અને વાતાવરણમાં ઠંડક આવવા લાગે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, જેના કારણે તેના કિરણો ખૂબ અસરકારક હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ચંદ્રના કિરણો વાતાવરણમાં હાજર નકારાત્મક ઊર્જાને ઘટાડે છે અને ખીર જેવા ખોરાક પર હકારાત્મક ઊર્જા અસર કરે છે. ખીર દ્વારા ચંદ્રના કિરણો શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે, તેને એક વિશેષ અને પવિત્ર વિધિ બનાવે છે. આયુર્વેદ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં બેસીને ખીર ખાવાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે.
શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ
શરદ પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા સાથે પણ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસલીલા કરી હતી, જેથી આ પૂર્ણિમાને ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેના 16 તબક્કામાં પૂર્ણ થાય છે અને તેના કિરણોને અમૃતથી ભરપૂર માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે શરદ પૂર્ણિમાની રાત્રે જાગવું એ સમૃદ્ધિનું પ્રતીક છે. ખુલ્લા આકાશની નીચે ખીરને રાખવાની પરંપરાનું ધાર્મિક મહત્વ એ છે કે ચંદ્રના કિરણો ખીરને અમૃતથી ભરે છે, જે તેને વધુ પૌષ્ટિક અને દૈવી ખોરાક બનાવે છે. પ્રસાદ તરીકે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે લોકો જાગરણ કરે છે અને ખીર ચઢાવે છે તેમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
