જાદૂ ! ગુજરાતમાં રાજકોટ બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર : સરકાર દ્વારા એક કરોડનું ઈનામ આપવામાં આવ્યું
થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ 19મા ક્રમે રહ્યું હતું. જો કે કેન્દ્રના સર્વેક્ષણ પહેલાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રકારે સર્વેક્ષણ કરાયું હતું જેનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવતાં રાજકોટ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર હોવાનું જાહેર કરી એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને એક કરોડ રૂપિયાના ઈનામનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. રાજકોટ 10 લાખથી વધુ વસતી ધરાવતી મહાપાલિકામાં બીજા ક્રમે આવ્યું હતું.

આ સર્વેક્ષણમાં સરકાર દ્વારા કોમર્શિયલ વિસ્તાર તેમજ રહેણાક વિસ્તારના રસ્તાની હાલત, શૌચાલયની સફાઈનો મુદ્દો ધ્યાન પર લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કેવી રીતે થાય છે, કચરો એકઠો કરાયા બાદ ભીના અને સૂકા કચરાને અલગ કરવાની પદ્ધતિ શું છે, કચરાનું પ્રોસેસિંગ કેવી રીતે થાય છે, બાંધકામ વેસ્ટના નિકાલની શું વ્યવસ્થા છે, શહેરમાં જાહેર પરિવહનની સુવિધા કેવી છે, સફાઈ કેટલો સમય કરવામાં આવે છે તે સહિતના મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા અને તેના આધારે રાજકોટને બીજો ક્રમ મળ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રકારનું સર્વેક્ષણ પ્રથમ વખત જ કરવામાં આવ્યું હોવાનું જણાવી અધિકારીઓએ ઉમેર્યું હતું કે 10 લાખથી વધુની વસતી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે અમદાવાદ રહ્યું હતું જ્યારે ટીયર કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું હતું.
