રાજકોટ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન : મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા, રેડ કરવા આવતી ટીમને નડ્યો અકસ્માત
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દિવાળી પહેલા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોરબીનાં લેવીસ સીરામીક ગ્રુપ સહિત 40 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી દરોડાની કામગીરી ચાલુ છે જેમાં 250થી વધુ અધિકારીઓ જોડાયા છે. રાજકોટમાં પણ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે ત્યારે IT દ્વારા એકસાથે 40થી વધુ સ્થળોએ રેડ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ અને મોરબીમાં સવારથી જ ઇન્કમટેક વિભાગનું મેગા સર્ચ ઓપરેશન ચાલુ છે. મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા પાડતા સિરામિક અને બાંધકામ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસમાં 250થી વધુ અધિકારીઓ જોડાયા છે. આ દરોડામાં બેનામી વ્યવહારો અને મોટા પાયે કર ચોરી ઝડપાય તેવી શક્યતા છે. IT વિભાગ કાગળો, ડિજિટલ રેકોર્ડ્સ અને રોકડ અંગે તપાસ ચાલી રહી છે.રાજકોટમાં પણ સંબંધિત ઉદ્યોગપતિઓના સ્થળોએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Katrina Kaif Pregnant: માતા બનશે બોલીવુડ ઍક્ટ્રેસ કેટરિના કૈફ, આ મહિને તેના આપશે બાળકને જન્મ
સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ ઝપટે ચડે તેવી શક્યતા
ઇન્કમટેક્સ વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ ઝપટે ચડે તેવી શક્યતા છે. લેવીસ સિરામિક ગ્રૂપના ધીરુભાઈ રોજમાળા અને તેમના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના કારખાના, ઓફિસ અને રહેણાંક મકાનો સહિત 40 સ્થળોએ હાલ તપાસ ચાલી રહી છે. બાંધકામ ક્ષેત્રના અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ સ્થિત જયરાજ પાર્કમાં આવેલા નિવાસસ્થાન અને ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. સાથે જ મોર્ડન હોમ પ્લાનના પરેશભાઈ પટેલના જયરાજ પાર્કમાં આવેલા ઘર અને ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.આ સર્ચ ઓપરેશનમાં સાંજ સુધીમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.
ઇન્કમટેક્સના અધિકારીઓને નડ્યો અકસ્માત
રાજકોટ આઈટી વિભાગે મોરબીમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે મોરબી અને રાજકોટમાં દરોડા માટે આવી રહેલા અધિકારીઓને અકસ્માત નડ્યો હતો. સુરતનાં અધિકારીઓની કાર અમદાવાદ હાઇવે પર પલટી ખાઈ જતાં કારમાં સવાર ચાર અધિકારીઓ અને કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર આપી સુરત પરત મોકલી દેવામાં આવ્યા હતા. મોટી જાનહાનિ ટળી હતી.
