પોલીસ કમિશનરશ્રી ડમ્પર ડ્રાઇવ પણ રાખો! રાજકોટમાં ભારે વાહનોએ ચાલુ વર્ષે 25ના જીવ લીધા,અનેકને ઘાયલ કર્યા
લોકોના ટૂ-વ્હિલર ચાલકોના જીવ બચાવવા કે જાગૃતિના નામે રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત માટે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને હેલ્મેટ વિનાનો ચાલક જાણે આતંકીની માફક અટકાવી અટકાવીને દંડ ફટકારાયા અને હવે સીસીટીવી કેમેરાથી દંડાઈ રહ્યા છે. પોલીસ કમિશનરશ્રી ડમ્પરો માટે ભારે વાહનો માટે પણ ડ્રાઈવ રાખો તો જ સાચા અર્થમાં સામાન્ય જનના જીવ બચી શકશે. શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીની તો જાણે રોજીંદા ધજ્જીયા ઉડી રહ્યા હોય, ખાનગી ટ્રાવેલ્સ બસો પણ નો-એન્ટ્રીના સમય દરમિયાન શહેરમાં ઘૂસી જતી હોય છે. હેલ્મેટ એક જ ટ્રાફિક મુદ્દો નથી તે પોલીસે સમજવું જરૂરી છે.

રાજકોટમાં હેલ્મેટના અમલ માટે એક સાથે પીઆઈ, પીએસઆઈ સહિતનાઓ મળી 500થી વધુનો પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. હેલ્મેટ પહેરવાથી જીવ બચી શકે તેવી વાત સાથે હેલ્મેટ ફરજીયાત માટે પોલીસ મથી રહી છે પરંતુ ડમ્પરો, ખાનગી ભારે વાહનો પ્રત્યે જાણે એટલી જ હમદર્દી કે આંખમીંચામણા થઈ રહ્યા હોય તેમ ક્યારેક ક્યારેક ડમ્પરોને દંડ કે જે બતાવવું પડે તેમ હોય તો એકલ-દોકલ ડમ્પર ડીટેઈન કરીને ચોપડે કામ કર્યાનું બતાવી દેવાય છે.

ડમ્પરમાં પોલીસને કોઈ બમ્પર લાભાલાભ હશે ? લાગતા વળગતાઓના ડમ્પરો દોડતા હશે ? હપ્તાખોરી ડમ્પર દીઠ મહિને હપ્તા બાંધેલા હશે ? તો જ શું ડમ્પરો આવી રીતે બેખૌફ બનીને દોડતા હશે ? રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં રોજબરોજના 500થી વધુ ડમ્પરો દોડી રહ્યા છે.

શહેરોમાં ચાલતા બાંધકામો સાઈટો પર રેતી, કપચી કે આવા બિલ્ડિંગ રો-મટિરિયલ્સ ઠલવવા ડમ્પરો શહેરમાં જાણે કોઈ રોકટોક વિના જ ઘૂસે છે. હાઈ-વે પર તો ખરા સિટીમાં પણ સડસડાટ નીકળતા આવા ડમ્પરો, ટ્રકો, ખાનગી લકઝરી બસો પણ જાહેરનામા સમયના છૂટના એકાદ કલાક કે ક્યારેક તો દિનદહાડે સિટીમાં નીકળી જાય છ આવા વાહનો સામે શેહશરમ છોડીને કડક હાથે કામ લેવાની જરૂર છે.

રાજકોટમાં ભારે વાહનોએ ચાલુ વર્ષે 25ના જીવ લીધા, અનેકને ઘાયલ કર્યા
રાજકોટ શહેરમાં ભારે વાહનો જીવલેણ સાબીત થતાં હોય તેમ ચાલુ વર્ષે જ 25 વ્યક્તિના ભોગ લીધા છે. શહેર પોલીસ કમિશનરેટ એરિયા પોલીસ મથકોના પ્રાપ્તત આંકડાઓમાં કુવાડવા રોડ વિસ્તારમાં પાંચ, આજી ડેમ એરિયામાં 6, ગાંધીગ્રામમાં ચાર, એરપોર્ટમાં ચાર, તાલુકા વિસ્તારમાં 2 તથા ભક્તિનગર, યુનિવર્સિટી, બી-ડિવિઝન વિસ્તારમાં ડમ્પર કે આવા ભારે વાહનોએ 25ના મોત નિપજાવ્યા. જ્યારે અન્યો ઘવાયા, આવી જ રીતે ઓવરસ્પીડે દોડતી કાર્સ કે ટૂ-વ્હિલર્સે પણ ઘણાને ઈજા પહોંચાડી. આવા પણ પોલીસ ચોપડે નોંધાયેલા 40થી વધુ બનાવો હશે.
રાજકોટમાં બેકાબુ ડમ્પરે તોતિંગ વ્હીલ નીચે માસૂમ બાળકને “કચડી” નાખ્યો
રાજકોટમાં પાંચ દિવસથી હેલ્મેટ ફરજિયાત કરાવવા પ્રજા પર સૂરી બનેલી શહેર પોલીસને જેના કારણે જીવલેણ અકસ્માતો થયા છે અને થાય છે તેવા `કમાઉ’ ડમ્પરો દેખાતા નથી. આજે ફરી વધુ એક આવા માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે મોરબી રોડ પર આઠ વર્ષિય માસૂમને કચડી નાખી મૃત્યુ નિપજાવ્યું હતું. બનાવના પગલે લોકોમાં રોષ ભભૂક્યો હતો. ડમ્પરમાં તોડફોડ કરી, ચક્કાજામ કરી નાખ્યો હતો. ડમ્પર ચાલકને પણ માર માર્યો હતો. દોડી આવેલી પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી ચાલકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :નેપાળમાં સંસદ ભંગ : વચગાળાનાં PM સુશીલા કાર્કી બન્યા : વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી, આ તારીખે દેશમાં યોજાશે ચૂંટણી
મોરબી રોડ નજીક લાલપરી તળાવ પાસે શક્તિ સોસાયટીમાં રહેતો જયસુખ માથાવડિયા તેના આઠ વર્ષના પુત્ર જગદીશની તબિયત બરોબર ન હોય તાવ આવતો હોવાથી ઘરથી થોડે દૂર મોરબી રોડ પર આવેલા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર પુત્ર જગદીશને બાઈક પર લઈને દવા લેવડાવવા ગયો હતો. દવા લઈને પિતા-પુત્ર બન્ને ઘરે પરત ફરી રહ્યા હતા.
મોરબી રોડ પર જકાતનાકા પાસે પહોંચતા આગળ બમ્પર હોવાથી બાઈક ધીમું કર્યું હતું. એવામાં પાછળથી સ્પિડમાં ધસી આવેલા ડમ્પરે બાઈકસવાર પિતા-પુત્રને ઠોકરે લીધા હતા. ડમ્પરની ઠોકર લાગતા બાઈકચાલક જયસુખ ફંગોળાઈને રોડની સાઈડમાં પડ્યો હતો. જ્યારે બાઈક સમેત આઠ વર્ષિય માસૂમ પુત્ર જગદીશ ડમ્પરના આગળના વ્હિલ નીચે કચડાઈ ગયો હતો. બાઈક ઢસડાયું અને બુકડો બોલી ગયું હતું.
આ પણ વાંચો :સૌરાષ્ટ્રવાસીઓ આનંદો…હવે દૂર નથી ચાઈના: રાજકોટથી ચાઈનાની ફલાઇટ થશે ટેકઓફ,4 વર્ષ બાદ સીધું કનેક્શન
ગંભીર રીતે ઘવાયેલા બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા જયસુખનો ફંગોળાઈ જતાં પછડાટ સાથે ચમત્કારીક બચાવ થયો હતો. જીવલેણ અકસ્માતના પગલે આસપાસના લોકો, પરિવાર પણ દોડી આવ્યો હતો. ભારો રોષ ફેલાયો હતો. ચક્કાજામ કરી દેવાયો હતો. ઉશ્કેરાયેલા ટોળા પૈકી કેટલાકે ડમ્પરમાં તોડફોડ કરી હતી. ડમ્પર ચાલકને પણ ધોલધપાટ કરી હતી. પોલીસ દોડી આવી હતી. રોડ પર સુઈ જઈ કે વાહનો રોકી ચક્કાજામ કરનારા લોકોને હટાવ્યા હતા. રોષિત ટોળાએ પોલીસ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશને નહીં ઉપાડે સાથે દેકારો મચાવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી.
યુવક જયસુખે બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાનું જી.જે.04-બી.સી.3413 નંબરનું બાઈક લઈને પુત્ર જગદીશને લઈને જતો હતો. પુત્ર આગળ બેઠો હતો. ડમ્પરે પૂરઝડપે આવી ઠોકર મારી અકસ્માત સર્જી આઠ વર્ષિય પુત્ર જગદીશનું મૃત્યુ નિપજાવ્યું હોવાનો આરોપ મુક્યો છે. બી-ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સુનિલ રતિલાલ વાવેચાની ધરપકડ કરી હતી. લોકોમાં પણ રોષ હતો કે હેલ્મેટ મુદ્દે દંડતી પોલીસની આવા ડમ્પરો, ભારે વાહનો સામે કેમ આંખો બંધ છે.
હવે હેલ્મેટ નહીં બખ્તર પહેરે તો થાય, બાળકના પેટ પર ડમ્પર ફર્યું
રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં ડમ્પરો, આવા ભારે વાહનો કે ઓવર સ્પિડથી દોડતી કારો કે આવા વાહનોના કારણે જ જીવલેણ અકસ્માતો સર્જાય છે. હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એ વાત ખરી પણ માની લઈએ પરંતુ આજે જે ડમ્પરે પિતા-પુત્રને ઠોકરે ચડાવ્યા તેમાં બાળકના પેટ પર ડમ્પરનું વ્હિલ ફરી વળ્યું અને માંસના છૂંદા બહાર કાઢી નાખ્યા હતા અને ઘટનાસ્થળે જ જીવ ચાલ્યો ગયો. હેલ્મેટથી માથું બચી શકે પણ શું હવે આખા શરીરે બખ્તર પહેરવું ? હેલ્મેટ તો ઠીક ખરેખર તો અકસ્માતોના જ મુખ્ય કારણ એવા ડમ્પરો ભારે વાહનોને પોલીસે નાથવાની કે બંધ કરાવવાની જરૂર છે.
