રાજકોટનો મેળો પૂરો, બિલ બાકી ! લોકમેળા સમિતિને રૂ.35 લાખના નફાનો અંદાજ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ શૌર્યનું સિંદૂર લોકમેળાના એક મહિના બાદ પણ હજુ અનેક ખર્ચના બિલ મળ્યા ન હોવાથી ચુકવણા બાકી છે ત્યારે લોકમેળા થકી જિલ્લા વહીવટીતંત્રને રૂપિયા 2,72,20,000ની આવકમાંથી ખર્ચ બાદ કરતા અંદાજે 30થી 35 લાખનો નફો થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર આયોજિત શૌર્યના સિંદૂર લોકમેળાની આવક અને ખર્ચના હિસાબો અંગે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ લોકમેળામાં સ્ટોલ -પ્લોટ પેટે તંત્રને રૂપિયા 2,72,20,000ની આવક થઇ હતી જેની સામે સિવિલ વર્ક, મંડપ, લાઇટિંગ, પોલીસ બંદોબસ્ત સહિતના ખર્ચના ચુકવણા બાદ કરતા તંત્રને અંદાજે રૂપિયા 30થી 35 લાખ નફો થવાની શક્યતા દર્શાવી હતી જેમાંથી મુખ્યમંત્રી રાહતફંડમા રૂપિયા 25 લાખ અર્પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે, લોકમેળો પૂર્ણ થયાના એક માસના સમયગાળા બાદ પણ હજુ લોકમેળાના સિવિલ વર્ક, મંડપ, વીજળી બિલ, સીસીટીવી, વીડિયોગ્રાફી, વીજ કનેક્શન ચાર્જ, તેમજ વિવિધ ટેન્ડર ખર્ચના હિસાબોના બિલ હજુ રજૂ થયા ન હોવાથી લોકમેળા સમિતિ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 2,07,00,000થી વધુના ચુકવણા કર્યા છે. સાથે જ હજુ પણ મોટા ચુકવણા બાકી હોવાથી અંદાજે 30થી 35 લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
