ભારે કરી! રાજકોટમાં સાયકલ સવાર આધેડ પણ હેલ્મેટ પહેરીને નીકળ્યા : હેલ્મેટ પહેરેલા વાહનચાલકોનું ગુલાબ આપી કરાયું સન્માન
રવિવારની રજાનો આનંદ માણ્યા બાદ સોમવારે તરોતાજા થઈને ઓફિસ, દુકાન, કારખાને, નોકરી પર જવા માટે બનીઠનીને સ્કૂટરની કિક અથવા સેલ્ફ મારીને બહાર નીકળો અને જેવા કોઈ ચોક કે રસ્તા પર પહોંચો એટલે જાણે કે સરહદ ઓળંગી ગયા હોય તે પ્રકારે અટકાવીને તમારા પાસે દંડની વસૂલાત કરવામાં આવે તો સ્થિતિ કેવી નિર્માણ પામે? આવી જ હાલત હેલ્મેટનો હંગામો સોમવારે રાજકોટવાસીઓની થવા પામી હતી. ત્યારે આજે પણ સતત બીજા દિવસે પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ પહેરીને ન નીકળેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટવાસીઓને હેલ્મેટ પહેરતા કરવા માટે પોલીસનો નવતર પ્રયોગ
હેલ્મેટ ને લઈને અનેક રાજકોટવાસીઓ જાગૃત થાય હોય તેવું લાગી રહ્યું છે ટો હજુપણ એવા અનેક લોકો છે જેઓ આ નિયમનું પાલન કરી રહ્યા નથી ત્યારે જે લોકો પોલીસને સહયોગ આપીને પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરી રહ્યા છે તેમનું પોલીસ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.રાજકોટવાસીઓને હેલ્મેટ પહેરતા કરવા માટે પોલીસનો નવતર પ્રયોગ આજ રોજ કરવામાં આવ્યો હતો.
ગુલાબનું ફૂલ આપી કાયમી હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કર્યા

8 સપ્ટેમ્બરથી જ રાજકોટમાં હેલ્મેટની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે હેલ્મેટ પહેરનારાઓને ગુલાબ આપીને પોલીસ વધાવી રહી છે. દંડ વસૂલવા નહિ પણ સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કર્યાનો સંદેશ પોલીસે આપ્યો હતો. હેલ્મેટ પહેરનાર રાજકોટિયન્સને પોલીસે વધાવ્યા હતા અને ગુલાબનું ફૂલ આપી કાયમી હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કર્યા હતા. જો દંડની વાત કરીએ તો ગઇકાલે 5 કલાકની મેગા ડ્રાઈવમાં 20 લાખથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આજે પણ હેલ્મેટ ન પહેરનાર લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
હેલ્મેટની અમલવારી કરનાર લોકોનો પોલીસ કમિશનરે આભાર માન્યો
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જે રાજ્કોટવાસીઓનો આભાર માનવા માટે યોજવામાં આવી હતી. હેલ્મેટની અમલવારી કરનાર રાજકોટ વાસીઓનો આભાર માન્યો હતો તેમજ વધુમાં જણાવ્યું હતું કે હેલ્મેટનો ઉદ્દેશ્ય દંડ ઉઘરાવવા માટેનો નહીં પણ તમારા કિંમતી જીવન માટે છે. અકસ્માત મૃત્યુના ઘટાડે મામલે બ્લેક સ્પોટ બાબતેના સવાલમાં કહ્યું, આજની પ્રેસ માત્ર હેલ્મેટ પહેરનારના અભિવાદન પુરતી રાખવામાં આવેલ છે બાદમાં કહ્યું, ટ્રાફિક વિભાગ બ્લેક સ્પોટ ઘટાડવા બાબતોના આંકડા જાહેર કરશે.
આ પણ વાંચો : આજથી એશિયા કપનો પ્રારંભ : આ ટીમ સામે ભારત રમશે પોતાની પહેલી મેચ, એક ક્લિકમાં અહીં જુઓ મેચનો સમય, શેડ્યૂલ અને તમામ વિગતો
સાયકલ પર સવાર આધેડ હેલ્મેટ પહેરીને નીકળ્યા

રાજકોટમાં સોમવારથી ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી બનતા જ અનેક પોઈન્ટ ઉપર પોલીસનો કાફલો ગોઠવાઈ ગયો હતો અને ખુલ્લું માથું જોયું કે તુરંત જ સાઈડમાં ઉભા રખાવીને રોકડ અથવા તો ઓનલાઈન દંડની ‘ઉઘરાણી’ શરૂ કરી દેવામાં આવતા જબરદસ્ત રોષ જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે અનેક વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઇકાલે એક વૃદ્ધ માથામાં તપેલી પહેરીને આવ્યા હતા તો એક રિક્ષાચાલક પણ હેલમેટ પહેરેલો જોવા મળ્યો હતો ત્યારે આજે 9 સપ્ટેમ્બરના રોજ એક આધેડ વ્યક્તિ સાયકલ ઉપર હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ આધેડે જણાવ્યું હતું કે મોટર અને સાયકલમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

અધિકારીઓના આદેશનું સરસૂરિયુંઃ ટ્રાફિક વોર્ડને પણ દંડ ઉઘરાવ્યો
સોમવારથી હેલ્મેટ ફરજિયાત હોવાનું તેમજ ન પહેર્યું હોય તો દંડની વસૂલાત કરવામાં આવશે તેવી જાણકારી એસીપી (ટ્રાફિક) વી.જી.પટેલ દ્વારા અપાયા બાદ ભારપૂર્વક એમ પણ જણાવાયું હતું કે ટ્રાફિક વોર્ડન મતલબ કે ટીઆરબી કોઈ પણ પોઈન્ટ ઉપર વાહનને ઉભું નહીં રાખી શકે કે ન તો દંડ ઉઘરાવી શકે…આ પ્રકારના આદેશનું કલાકોમાં જ સૂરસૂરિયું થઈ ગયું હોય તેમ સોમવારે બહુમાળી ભવન ચોક સહિતના અનેક પોઈન્ટ ઉપર ટ્રાફિક વૉર્ડન દંડ ઉઘરાવતાં જોવા મળ્યા હતા.
