મારી દીકરી ભાગી ગઇ તેમાં તારો જ હાથ છે : ગરબા કલાસિસ સંચાલકને વકીલની ધમકી
ત્રણ દિવસ પહેલાં રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ પાસે આવેલી શક્તિ હોટેલ તેમજ કાલાવડ રોડ પાસે શ્રીજી હોટેલ પાસે વકીલ તેમજ રજવાડી ગરબા ક્લાસિસના સંચાલક વચ્ચે ઝઘડો થયા બાદ વકીલ દ્વારા સાત શખસે સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે વકીલ વિરુદ્ધ ગરબા સંચાલકે વળતી ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ગરબા ક્લાસિસના સંચાલક હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેના મિત્રો ઋષિરાજસિંહ ઝાલા, વિજય ધાંધલ, ધનંજય પવાર તેમજ જયદીપ ટીમાનીયા શ્રીજી હોટેલ પાસે આવેલા ચોકમાં પુલ નીચે ડિવાઈડર પાસે ગાર્ડ પાર્ક કરી ચા પી રહ્યા હતા ત્યારે એક ભાઈએ આવીને કહ્યું હતું કે મારું નામ ધર્મેશ ચોકસી છે, હું એડવોકેટ છું અને આ ગાડી પુલ નીચે પડી છે એ કોની છે, લઈ લ્યો મને મને નડે છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા: ટર્મિનલ અને ATCમાં અધિકારીઓની બદલી
આ સાંભળી હાર્દિકસિંહ સહિતનાએ કહ્યું હતું કે ત્યાં બસ નીકળી જાય તેટલી જગ્યા છે આમ છતાં માથાકૂટ ન થાય તે માટે વાહન લઈ લીધા હતા આમ છતાં ધર્મેશ ચોકસીએ પોલીસ બોલાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ધર્મેશની પુત્રી દર્શીનીએ હાર્દિકસિંહના મિત્ર સાગર સાથે એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા એટલા માટે વકીલ ધર્મેશ અને હાર્દિક એકબીજાને ઓળખતાં હતા. જે કે અહીંથી બધા ગીરીરાજ હોસ્પિટલ પાસે શક્તિ હોટેલ પર ભેગા થયા હતા અને ત્યાં ધર્મેશ ચોકીએ કહ્યું હતું કે ગાડી લેવી પડીને ? તમારા જેવા લુખ્ખાઓને કેવી રીતે સીધા કરવા એ મને આવડે છે. મારી દીકરી ભાગી ગઈ તેમાં તારો જ હાથ છે, તને તો હું મારી જ નાખવાનું છે તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી.
