રાજકોટમાં લોકમેળો શરૂ થાય તે પૂર્વે જ પુરવઠા-પશ્ચિમ મામલતદારની કાર્યવાહી : ખાણીપીણીના બે સ્ટોલમાંથી ગેસના બાટલા જપ્ત
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં લોકમેળાના ઉદઘાટન પહેલા જ પશ્ચિમ મામલતદાર તેમજ પુરવઠા તંત્રએ ચેકિંગમાં સપાટો બોલાવી ખાણીપીણીના બે સ્ટોલમાં કોમર્શિયલને બદલે ઘર વપરાશના ગેસના બાટલાનો વપરાશ થતો હોવાનું જોવા મળતા બન્ને ગેસના બાટલા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના રેસકોર્સ મેદાન ખાતે ગુરુવારે સાંજે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકમેળાનો શુભારંભ થાય તે પહેલા જ પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને પુરવઠા વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ખાણીપીણીના અલગ અલગ સ્ટોલની ચકાસણી કરવામાં આવતા બે સ્ટોલમાં કોમર્શિયલ ગેસના બાટલાનો વપરાશ કરવાને બદલે ધંધાર્થીઓ દ્વારા ઘર વપરાશના બાટલાનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જોવા મળતા બન્ને ધંધાર્થીઓ પાસેથી બે બાટલા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લોકમેળાની વ્યવસ્થા
• સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ
• 16 -વોચ ટાવર
• કંટ્રોલરૂમ-04
• એક ઇમરજન્સી રૂટ-1
• 1640 પોલીસ જવાન તૈનાત રહેશે
• 100 સફાઈ કામદાર
• 400 રેવન્યુ કર્મચારીઓ
• 18-એનડીઆરએફના જવાન
• 22 -SDRFના જવાન
• 4 – એમ્બ્યુલન્સ
• રૂ.8 કરોડનું વીમા કવચ
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળાને શૌર્યનું સિંદૂર નામકરણ થયું છે.આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના 6 અને મોટા 46 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, આઈસ્ક્રીમના 16 અને રમકડાના 110 સ્ટોલ મેળામાં છે. સાથે જ મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના 12 , મધ્યમ ચકરડીના 3 અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે 36 જેટલી યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે 3.45 થી લઈને રાતે 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
