રાજકોટના લોકમેળાના મેદાનમાં ગારા-કીચડનું સામ્રાજય : અડધો ઇંચ વરસાદ પણ નથી પડયો ત્યાં જ મેદાનમાં તળાવડાં ભરાયા
રાજકોટના લોકમેળામાં મહાલવા આવવું હોય તો સારા કપડાં કે સારા બુટ પહેરતા પહેલા સો વખત વિચારવું પડે તેવી સ્થિતિ અત્યારથી જ જોવા મળી રહી છે. રાજકોટના આંગણે રેસકોર્સ મેદાનમાં આગામી તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળો હજુ શરૂ નથી થયો અને અડધો ઈંચ વરસાદ પણ નથી થયો ત્યાં જ લોકમેળાના મેદાનમાં પાણીના તળાવડાં ભરાયા છે અને ચોતરફ ગારા કીચડનું સામ્રાજ્ય છવાયું છે ત્યારે લોકમેળા પૂર્વે લોકમેળા સમિતિએ લાખો રૂપિયાના ખર્ચે કરેલું લેવલીંગ કાં તો કાગળ ઉપર રહ્યું છે અને કાં તો થયું ન જ ન હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા. તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળો શરૂ થાય તે પહેલા જ મેઘરાજાએ માણી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકમેળા સમિતિ દ્વારા મેળાના સ્ટોલ-પ્લોટના નિર્માણ પહેલા જ લાખો રૂપિયાનો ખર્ચ કરી ગ્રાઉન્ડને સમથળ બનાવ્યું હોવાનું જાહેર કર્યું છે. જો કે, ગ્રાઉન્ડ લેવલીગનો લાખોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ મંગળવારે જોવા મળી હતી.મંગળવારે સવારથી સાંજ સુધી વરસાદી ઝાપટા વરસતા 5 મીમી જેટલો વરસાદ નથી પડયો તેવામાં જ લોકમેળામાં મેદાનમાં અનેક સ્થળોએ પાણીના તલાવડા ભરાઈ ગયા હતા અને જ્યાં જુઓ ત્યાં ગારા-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ : કલેકટરે કર્યું નિરીક્ષણ

ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના અવસરે દર વર્ષે વરસાદ આવતો જ હોવાનું જાણવા છતાં આ વર્ષે લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાના મેદાનમાં જ્યાં-જ્યાં નીચાણવાળા ભાગો છે ત્યાં પુરાણ કર્યું ન હોય રિંગરોડ ઉપર એકઠું થતું પાણી પણ મેદાનમાં આવી રહ્યું હોય વરસાદી માહોલમાં લોકમેળો કીચડ મેળો બની જાય તેવી સ્થિતિ મંગળવારે જોવા મળી હતી.

જો કે આ વર્ષે એસઓપી પાલનની છૂટછાટમાં રાઈડસને ફાઉન્ડેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે મેળામાં મોટાભાગની રાઈડસની આજુબાજુમાં જ પાણી ભરાયા હોય ફાઉન્ડેશન વગરની રાઇડ્સ સંચાલકોને પાણી ભરાવને કારણે રાઈડસના પાયા ન હચમચી જાય તેની ચિંતા સતાવી રહી હોવાના દ્રશ્યો લોકમેળાના મેદાનમાં જોવા મળી રહ્યા છે.
