કોહલી વન-ડેમાંથી પણ થઇ શકે નિવૃત્ત : દાઢીએ આપ્યું ‘સિગ્નલ’,લંડનની તસવીર સામે આવતા જ અટકળોની આંધી શરૂ
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાવ ગાયબ છે. તેણે 2024માં ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહ્યું અને ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી. હવે અહેવાલ છે કે ટૂંક સમયમાં તે વન-ડે ક્રિકેટ પણ છોડી શકે છે. સોશ્યલ મીડિયા પર તેની એક તસવીર સામે આવ્યા બાદ તેના સંન્યાસની અટકળો જોર પકડી રહી છે.

ઈંગ્લેન્ડથી કોહલીની એક તાજેતરની તસવીર સામે આવી છે. કોહલી અત્યારે પત્ની અનુષ્કા શર્મા અને બે બાળકો વામિકા તેમજ અકાય સાથે -લંડનમાં રહે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં કોહલીને એક ફોટો માટે પોઝ આપતો જોવા મળી રહ્યો છે પરંતુ જે વસ્તુ સૌનું ધ્યાન ખેંચી રહી છે એ કોહલીની સફેદ દાઢી છે. પૂર્વ ભારતીય કેપ્ટન અત્યંત અલગ દેખાઈ રહ્યો છે.
પાછલા મહિને ઈંગ્લેન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે મેં બે દિવસ પહેલાં જ મારી દાઢીને કલર કર્યો હતો. જ્યારે તમારે ચાર દિવસે દાઢી રંગવી પડતી હોય તો તમારે સમજી જવું જોઈએ કે સમય આવી ગયો છે.
