દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
બેંગલુરુની વિશેષ અદાલતે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મના ગંભીર આરોપોમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સજાની જાહેરાત માટે 2 ઓગસ્ટ, શનિવારનો દિવસ નક્કી કર્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ પ્રજ્વલ રેવન્ના ભાવુક થઈ ગયા અને કોર્ટરૂમમાં જ રડવા લાગ્યા હતા.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ દુષ્કર્મનો પ્રથમ કેસ હસન જિલ્લાના હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસ એપ્રિલ 2024માં એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે, જે રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં ઘરકામ કરતી હતી. આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2021થી પ્રજ્વલ રેવન્ના તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા અને તેને ધમકી આપતા હતા કે જો તેણે આ ઘટનાઓની જાણ કોઈને કરી તો તે અશ્લીલ વીડિયો જાહેર કરી દેશે. આ ફરિયાદે રેવન્ના સામેના ગંભીર આરોપોને સામે લાવ્યા અને આ કેસે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતાં. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરતા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતાં. જેના આધારે આજે ચુકાદો આપવામાં આવ્યો હતો.
પ્રજ્વલ રેવન્નાએ હાસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફેક્ટ ચેક માટે મોકલવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ હતી.
આ પણ વાંચો : Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પછી પ્રજ્વલ અચાનક ગાયબ થઈને જર્મની પહોંચી ગયો હતો. પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સામે દાખલ થયેલી એફઆઈઆર બાદ એચડી રેવન્નાની ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ કેટલાક દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવી ગયા હતા. તે દરમિયાન જેડીએસે પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. એસઆઈટીએ બેંગ્લુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રજ્વલની ધરપકડ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવન્ના રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાનાં પૌત્ર છે.
