ચૂંટણી પંચ આખા દેશની મતદાર યાદીમાં ‘સાફસૂફી’ કરશે : અંદાજે 100 કરોડ મતદાતાઓનું થશે વેરીફીકેશન
આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદારોની ચકાસણીનો મામલો ગરમાયો છે અને આ મુદ્દે સંસદનું કામકાજ પણ ત્રણ દિવસથી ઠપ્પ છે ત્યારે હવે ચૂંટણી પંચે બિહારમાં જે કર્યું તે આખા દેશમાં કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. ચૂંટણી પંચ બિહારમાં સ્પેશીયલ ઇન્ટેન્સીવ રિવિઝન કરાવી રહી છે અને તેને કારણે 35.6લાખ મતદારોના નામ ડુપ્લીકેટ હોવાને લીધે અથવા બોગસ હોવાને લીધે રદ થઇ રહ્યા છે. ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રહે તે માટે હવે આ પ્રકારની મતદાર સુધારણા ઝુંબેશ આખા દેશમાં કરવાની જાહેરાત કરી છે. પંચે કહ્યુ છે કે, આ અંગે ટૂંક સમયમાં ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અડધા ચોમાસે જ 60 ટકા ભરાયો : રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ છલોછલ
આખા દેશમાં અંદાજે 100 કરોડ મતદાતા છે અને આટલી મોટી સંખ્યામાં મતદારોનું વેરીફીકેશન જટિલ પ્રક્રિયા છે. એકલા બિહારમાં જ ૩૫ લાખ જેટલા મતદારોના નામ રદ થઇ રહ્યા છે તેના ઉપરથી એવો અંદાજ કરી શકાય કે જયારે દેશભરમાં મતદાર યાદી સુધારા કરવામાં આવશે ત્યારે કેવડો આંકડો બહાર આવશે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટની ભૂલની શક્યતા : ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, FAAની તપાસમાં ખુલાસો
ચૂંટણી પંચની આ દેશવ્યાપી સાફસૂફી સામે પણ વિવાદ ઉભો થવાની પુરેપુરી ધારણા છે. ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનાથી આખા દેશમાં આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ પ્રકારની ઝુંબેશનો મૂળભૂત હેતુ બોગસ મતદારો, ખાસ કરીને મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશમાંથી આવેલા શંકાસ્પદ લોકોની ઓળખ મેળવવાનો અને તેમના બોગસ વોટર આઈ.ડી. રદ કરવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત દરેક મતદાતાએ પોતાની નાગરિકતા, ઓળખ અને રહેઠાણનો પુરાવો જમા કરાવવાનો રહેશે.
આ પણ વાંચો : ડિજિટલ એરેસ્ટ ગેંગનું વડું મથક કંબોડિયા: 3075 લોકો ઝડપાયા,105 ભારતીય નાગરિકોની પણ ધરપકડ
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તે મતદાર યાદીઓની અખંડિતતાનું રક્ષણ કરવાની તેની બંધારણીય ફરજના ભાગ રૂપે સુધારો કરી રહ્યું છે. મતદાર યાદીઓની અખંડિતતાનું રક્ષણ કરવાના તેના બંધારણીય આદેશના પાલન માટે પંચે હવે સમગ્ર દેશમાં ખાસ સઘન સુધારો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પંચે ઉમેર્યું હતું કે રાષ્ટ્રવ્યાપી કવાયત માટે વિગતવાર સમયપત્રક યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.ચૂંટણી પંચે અગાઉ કહ્યું હતું કે આ સુધારાનો હેતુ ડુપ્લિકેટ અને અયોગ્ય મતદારોને દૂર કરવાનો છે, ખાસ કરીને કાયમી અને વર્તમાન સરનામાં બંને પર નોંધાયેલા. સ્થળાંતર કરનારાઓને ચિંતા કરવાની જરૂર નથી – 2003 માં સૂચિબદ્ધ મતદારોના વંશજોને કોઈ પૂર્વજ પુરાવાની જરૂર નથી.
એક સોગંદનામામાં, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે બિહારમાં આધાર, મતદાર ID અને રેશન કાર્ડનો ઉપયોગ નાગરિકતાના પુરાવા માટે નહીં પણ ઓળખ ચકાસણી માટે થઈ રહ્યો છે. SIR ની કાયદેસરતાની સમીક્ષા કરી રહેલી સુપ્રીમ કોર્ટ, આ કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ કરશે.
