રાજકોટના અટલ સરોવર પાસે 35 કરોડના ખર્ચે બનશે `વર્કિંગ વિમેન હોસ્ટેલ’ : 112 રૂમમાં 248 બેડ જીમ,ડાઈનિંગ-વોશિંગ એરિયા સહિતની મળશે સુવિધા
રાજકોટમાં અત્યારે બહારગામથી આવીને નોકરી તેમજ અભ્યાસ કરતી મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જો કે આ તમામને રહેવા માટે સુરક્ષિત જગ્યાની હંમેશા ચિંતા સતાવતી હોય છે. બીજી બાજુ શહેરમાં અત્યારે ઘણા વિસ્તારોમાં હોસ્ટેલ કાર્યરત છે પરંતુ ઘણી વખત આ હોસ્ટેલનું ભાડું પરવડતું હોતું ન હોવાથી હેરાનગતિ પણ ભોગવવી પડે છે ત્યારે આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા શહેરમાં વર્કિંગ વિમેન હોસ્ટેલ બનાવવાની જાહેરાત 2025-26ના નાણાકીય બજેટમાં કરવામાં આવી હતી જે હવે આગળ ધપી રહી છે. આ માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેમાં જણાવ્યા પ્રમાણે આ વર્કિંગ વિમેન હોસ્ટેલ સ્માર્ટ સિટીમાં અટલ સરોવર પાસે આવેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટની સામે નિર્માણ પામશે જેના પાછળ 35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આ વર્કિંગ વિમેન હોસ્ટેલમાં 112 રૂમની અંદર 248 બેડની સગવડ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ડે-કેર, જીમ, ડાઈનિંગ-વોશિંગ એરિયા, સ્પોર્ટસ એક્ટિવિટી માટે અલાયદી જગ્યા, નોકરી કરતી તેમજ અભ્યાસ કરતી યુવતી-મહિલા માટે કાઉન્સેલિંગ રૂમ, મેડિકલ રૂમ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. વળી, અહીં અન્ય હોસ્ટેલની તુલનાએ ભાડું પણ સામાન્ય રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી સૌને તે પરવડી શકે.
આ પણ વાંચો : ‘નશીલું રાજકોટ’ : 9 સ્થળેથી ગાંજો, નશાકારક ગોળી, નામ-ઠામ વગરની સિગરેટ પકડાઈ, એક સ્થળેથી 19 ગ્રામ અફિણ કર્યું જપ્ત
એકંદરે તંત્રવાહકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આખા ભારતમાં કાર્યરત વર્કિંગ વિમેન હોસ્ટેલમાં ન હોય તેવી સગવડ રાજકોટની હોસ્ટેલમાં આપવામાં આવશે. અહીં મહિલાઓ અને યુવતીઓ પોતાને સુરક્ષિત અનુભવે તે બાબતનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ બે એકર જગ્યામાં સાકાર પામશે. આ હોસ્ટેલ પબ્લીક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત અહીંથી મહિલાઓ-યુવતીઓ અવર-જવર કરી શકે તે માટે બસ સેવા પણ શરૂ કરાશે. આ માટે ટેન્ડર ભરવાની અંતિમ તા.22 જૂલાઈ છે. જો ત્યાં સુધીમાં એક કરતા વધુ એજન્સી ટેન્ડર ભરશે અને તેમાં ભાવ અનુકુળ આવશે તો ઝડપથી સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરાશે જે મંજૂર થયા બાદ કામ શરૂ કરી દઈને બે વર્ષથી અંદર હોસ્ટેલ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.