રાજકોટના લોકમેળામાં મોટી રાઇડ્સને હવે નો-એન્ટ્રી : કલેકટરે કહ્યું, નાની રાઇડ્સ-સ્ટોલ વધારી જમાવટ વાળો મેળો યોજવા પ્લાન-B રેડી
એસઓપી મુદ્દે રાજકોટના લોકમેળાને બાનમાં લેવા પ્રયાસ કરનાર ફજત ફાળકા, ટોરા ટોરા, સહિતની મોટી રાઇડ્સના સંચાલકો સામે ઝુકવાને બદલે રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે હવે ભાતીગળ લોકમેળામાં નાની રાઇડ્સ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થકી આકર્ષણ ઉભું કરી જનતા માટે જમાવટ વાળો લોકમેળો યોજવામાં આવશે તેમ જાહેર કરી હવે સમય પૂર્ણ થયો હોય લોકમેળામાં મોટી રાઇડસને નો-એન્ટ્રી ફરમાવી પ્લાન-બી મુજબ મેળો યોજવા જાહેર કર્યું છે.બીજી તરફ ફોર્મ વિતરણના અંતિમ દિવસે માત્ર ત્રણ ફોર્મ જ ઉપડ્યા હોય 238 સ્ટોલ સામે માત્ર 149 અરજીઓ જ આવતા હવે નાના ધંધાર્થીઓ અને નાની રાઇડ્સ માટે મુદત લંબાવી જરૂર પડયે સ્ટોલની અપસેટ કિંમત ઘટાડવાના નિર્દેશ જિલ્લા કલેકટરે આપ્યા હતા.

આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં લોકોના જીવના જોખમે રાજ્ય સરકારની એસઓપીમાં છૂટછાટ આપવાની માંગ કરી મોટી રાઇડ્સના સંચાલકોએ મેળાનો બહિષ્કાર કરતા લોકમેળાનાફોર્મ વિતરણને માઠી અસર પહોંચી છે, દર વર્ષે ફોર્મ વિતરણ શરૂ થતા જ લોકમેળામાં કમાણી કરવા માટે ધંધાર્થીઓ કાળાબજારીમાં પણ સ્ટોલ લેવા માટે તલપાપડ બનતા હોય છે ત્યારે આ વર્ષે ત્રણ ત્રણ મુદત વધારા બાદ પણ લોકમેળાના કુલ 238 સ્ટોલ સામે શુક્રવારે ફોર્મ વિતરણના અંતિમ દિવસે ફક્ત 149 ફોર્મનું વિતરણ થયા બાદ 27 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.

બીજી તરફ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળામાં ત્રણ-ત્રણ મુદત બાદ પણ મોટી રાઇડ્સના સંચાલકો આવ્યા ન હોય હવે એસઓપી મુજબ ફાઉન્ડેશન સહિતની કામગીરી એક મહિના જેટલા સમયમાં ન થઇ શકે તેમ હોવાથી હવે એક પણ મોટી રાઇડસને મેળામાં એન્ટ્રી નહીં મળે,સાથે જ લોકમેળામાં રાઇડ્સ વગર પણ જમાવટ થાય તે માટે પ્લાન બી મુજબ કલચરલ પ્રોગ્રામ સહિતના આયોજન કરવા ઉપરાંત નાની રાઇડ્સના ધંધાર્થીઓને વધુ જગ્યા ફાળવવાની સાથે જરૂર પડ્યે અપસેટ પ્રાઈઝમાં ઘટાડો કરી નાના ધંધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે અને લોકોને મનોરંજન મળી રહે તેવી મેળો યોજવામાં આવશે તેમ સ્પષ્ટ કરી રાજકોટમાં લોકમેળાની પરંપરાને તૂટવા નહીં દેવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં જોખમી બ્રિજ અંગે 48 કલાકમાં રિપોર્ટ આવશે : આણંદપર નવા ગામના રાજાશાહી સમયના પુલ સહિત 3 પુલ જોખમી
હવે લોકમેળાની ડિઝાઇન બદલાશે
લોકમેળામાં દર વર્ષે 30થી 35 જેટલી મોટી રાઇડ્સ ઘણી ખરી જગ્યા રોકતી હોય છે ત્યારે ફોર્મ વિતરણના અંતિમ દિવસે લોકમેળામાં પૂરતી સંખ્યામાં સ્ટોલ-પ્લોટના ફોર્મ ન વહેચાતા હવે લોકમેળાની ડિઝાઇન બદલવામાં આવશે અને રાઇડ્સ માટેના મોટા પ્લોટને બદલે નાની રાઇડ્સ માટે વધુ જગ્યા ફાળવવા ઉપરાંત અન્ય સ્ટોલની સંખ્યામાં વધારો કરવા માટે લોકમેળાની ડિઝાઇન બદલવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવી આગામી પાંચ દિવસમાં જ લોકમેળામાં નાના ધંધાર્થીઓને તક આપવા ફોર્મ વિતરણ લંબાવવામાં આવશે તેમ જણાવી આ ફોર્મ વિતરણમાં મોટી રાઇડ્સ માટે કોઈ અવકાશ નહીં રહે તેમ સ્પષ્ટ કર્યું હતું.
